વટવા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી
વટવાના વિંઝોલ વિસ્તારમાં મિત્રતાના પવિત્ર સબંધને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પતિના ખાસ મિત્રએ પરિણીતાને સોશીયલ મીડીયા પર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બ્લેકમેઈલ કરીને તેને મળવા બોલાવી બળજબરીપૂર્વક અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતથી ગભરાઈ ગયેલી પરિણીતા છટકીને ઘરે પહોચી હતી અને પતિને વાત કરતા મામલો વટવા પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. અંતે પરિણીતાએ પતિના મિત્ર સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.વિંઝોલ ક્રોસિંગ પાસેની એક સોસાયટીમાં રહેતી 24 વર્ષીય મહિલાનો પતિ વટવાજીઆઈડીસીમાં આવેલી એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરે છે. તેમના પાછળની સોસાયટીમાં રહેતો દિપક પણ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. આ બંને પરિવારો વચ્ચે પારિવારીક સબંધ હતા. દિપક અવારનવાર મિત્રના ઘરે જતો આવતો હતો અને તેની પત્ની સાથે પણ વાત કરતો હતો. પરિણીતા પણ પતિના મિત્રની સાથે સહજભાવે વાત કરતી હતી તેના મનમાં કોઈ ભાવ નહતો.આ સંજોગોમાં દિપકએ પરિણીતાને સોશીયલ મીડીયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. પરિણીતાએ સહજભાવે રીકવેસ્ટ સ્વીકારી અને તેઓ વચ્ચે સામાન્ય વાતચીત થતી હતી.
આ વાતને લઈને દિપકે પરિણીતાને ધમકી આપી હતી કે તુ મારી સાથે વાતકરે છે તે તારા પતિને કહી દઈશ. પરિણીતાએ પોતાનો સંસાર ન તુટે તે માટે આવુ નહી કરવા વિનંતી કરી હતી. જો કે દિપક માન્યો નહતો. અને તેણે પરિણીતાને બ્લેકમેઈલ કરવાનુ શરૂ કર્યું હતુ. દિપકે પરિણીતાની ઈચ્છા વિરુદ્ધ તેને મળવા માટે એક મિત્રના ઘરે મળવા માટે બોલાવી હતી. દબાણવશ પરિણીતા ત્યાં પહોચી તો દિપક એકલો હતો. તેણે પરિણીતાને બાથમાં ભીડીને અડપલાં કર્યા હતા. જો કે પરિણીતાએ વિરોધ કરી દિપકે તેને ગાળો દેતા ગુસ્સે ભરાયેલી પરિણીતાએ તેને લાફો ચોડી દીધો હતો. ભયભીત બનેલી પરિણીતા ભાગીને ધાબે આવી અન્ય મકાનમાં થઈને થરે પહોચી ગઈ હતી. વટવા પોલીસ સ્ટેશનમાં દીપક સામે ફરિયાદ કરી છે.







