ફરિયાદો મળતાં ચારભુજા કિરાણા પર રેડ, દુકાનમાલિકે દોષનો ટોપલો સપ્લાયર પર ઢોળ્યો
અમૂલના નામે નકલી ઘી વેચાતું હતું, ઘી પૂરું પાડનારો વેપારી હાથ ન લાગતા બે ગોડાઉન સીલ
નકલી ઘીના ડબા પર શુદ્ધને ‘શદ્ધ’ લખેલું હોવાથી કૌભાંડ પકડાયું, એક્સપાયરી ડેટમાં પણ ગોટાળા હતા
જશોદાનગરની એક દુકાનમાંથી બનાવટી ઘીના 15 કિલોના 7 ડબા પકડાયા છે. જ્યારે આ છૂટક વેપારીને ધી સપ્લાય કરનારાના બે ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે. લોકોની ફરિયાદોને પગલે મ્યુનિ. હેલ્થ વિભાગે ચારભુજા કિરાણા સ્ટોર પર તપાસ કરી હતી. વેપારી અમૂલ બ્રાન્ડના નામે નકલી ઘી વેચતો હોવાની શંકા છે. મ્યુનિ. સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા છે. બનાવટી ઘી પકડાતા વેપારીની પૂછપરછ કરાતા તેણે અમરાઈવાડીમાં હાર્દિક ટ્રેડર્સ પાસેથી આ ઘી ખરીદ્યાનું કહ્યું હતું.
હાર્દિક ટ્રેડર્સના અમરાઈવાડી, ખોખરાના ગોડાઉન સીલ કરાયા હતા. મ્યુનિ.ની ટીમ પહોંચી ત્યારે ગોડાઉન બંધ હતું. અધિકારીઓએ માલિકનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ફોન બંધ આવતો હતો. હેલ્થ ઓફિસર ભાવિન જોશીએ કહ્યું. તપાસમાં ધ્યાને આવ્યું હતું કે, અમૂલ બ્રાન્ડના નામે જે ઘી વેચાઈ રહ્યું છે તે ડબા બનાવટી છે. લેબમાંથી રિપોર્ટ આવે પછી કાર્યવાહી થશે.
નકલીને શુદ્ધમાં ખપાવવા આ રીતે ભેળસેળ
નકલી ઘીમાં સામાન્યપણે પામોલિન કે વનસ્પતિ ઘીનો ઉપયોગ થાય છે. ફેટ વધારવા મટનટેલો જેવી ચરબી ઉમેરાય છે. જે આરોગ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. ઘીને આછો પીળો રંગ આપવા હાનિકારક કલર નખાય છે
વેપારીએ કહ્યું, મેં આવો જથ્થો આપ્યો નથી
વેપારીએ તેમનું નામ રમેશભાઈ જણાવી કુંભમાં ગયા હોવાનું કહ્યું હતું. તેમણે ઘીનો આવો જથ્થો આપ્યાનું નકાર્યું હતું.