નમસ્તે સર્કલ પાસે બસમાંથી ઊતરતી વખતે 889 બોટલ સાથે ધરપકડ
અઠવાડિયામાં બે વખત રાજસ્થાન જઈ દારૂ લઈને આવતી હતી
રાયપુરના કંટોળિયા વાસમાં રહેતી અને દારૂનો ધંધો કરતી 14 મહિલા બુટલેગર રાજસ્થાનથી દારૂ-બિયરની 889 બોટલ લઈને આવતા પકડાઈ છે. રાજસ્થાનથી ખાનગી લક્ઝરી બસમાં આ મહિલા બુટલેગરો દારૂ-બિયરનો જથ્થો લઈને આવી રહી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે આ તમામ મહિલાઓની ધરપકડ કરી હતી.
રાજસ્થાનથી આવતી ખાનગી બસમાં આવી રહેલી મહિલા બુટલેગરો દારૂ-બિયરનો જથ્થો સાથે લઈને આવી હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના આધારે ટીમે માધવપુરામાં નમસ્તે સર્કલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન રાજસ્થાનથી આવેલી બસમાંથી 14 મહિલા ઊતરી હતી.
પોલીસે તેમની તપાસ કરતા તેમાંથી દારૂ-બિયરની 889 બોટલ મળી આવી હતી. પોલીસે આ 14 મહિલાની ધરપકડ કરી હતી, જેમાં કાગડાપીઠના કંટોળિયા વાસમાં રહેતી મંજુબહેન ચુનારા, મારિયા મંસુરી, સુનિતાબહેન ચુનારા, અનિતાબહેન ચુનારા, રોશની ચુનારા, ગીતાબહેન ચુનારા, આશાબહેન ચુનારા, ગીતાબહેન ચુનારા, જાગૃતિબહેન ચુનારા, કવિતાબહેન ચુનારા, ભગવતીબહેન ચુનારા, ઉર્મિલાબહેન ચુનારા, રિદ્ધિ ચુનારા અને રજની ચુનારાનો સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે આ મહિલાઓ કંટોળિયા વાસમાં દારૂનો ધંધો કરતી હતી. આ મહિલાઓ અઠવાડિયામાં બે વખત બસમાં રાજસ્થાન જઈને દારુ લઈને આવતી હતી.