વિદેશમાં માલ મોકલવાનો મોટો ઓર્ડર મળ્યો છે કહીને માલ લીધો
ડિલિવરીના 20 દિવસમાં પૈસા આપવાનું કહીને વિશ્વાસઘાત કર્યો
હિંમતનગરની એક કંપનીના છ માલિકોએ વટવાના વેપારીને મોટો ઓર્ડર આપવાની લાલચ આપીને માલ ખરીદીને રૂપિયા 21.97 લાખ નહીં ચુકવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે વેપારીએ છ વ્યકિતઓ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
ખાનપુરમાં રહેતા ઝૈનુલભાઈ કોન્ટ્રાકટર વટવામાં સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં અલીભાઈ એન્જીનીયર નામથી ફેબ્રિકેશનનો વેપાર કરે છે. ગત 2024માં ગાંભોઈ ભિલોડા રોડ પર વાવડી ગામે આવેલી હેલીફલેક્ષ નામની કંપનીના ભાગીદાર ઉત્કર્ષભાઈ સાથે ધંધા અર્થે વાત થઈ હતી. જેમણે પોતાની કંપનીમાં પેટ બોટલ રિ-સાયકલીંગનુ કામ કરતા હોઈ તેમણે કહ્યું હતુ કે મારે એક મોટો ઓર્ડર આવ્યો છે અને મારાથી આટલો માલ પુરો નહીં પડે તમે મને માલ પુરો પાડી તેમ કહ્યું હતુ.
વધુમાં આ ઓર્ડર વિદેશમાં એકસપોર્ટ કરવાનો છે અને ડીલીવરીના 20 દિવસમાં જ તમને માલના પૈસા આપી દઈશુ તેમ કહ્યુ હતુ. આથી વિશ્વાસ રાખીને ઝૈનુલભાઈએ 50 ટન માલ આપવાનુ નકકી કર્યું હતુ. ત્યારબાદ કુલ રૂ 31,97 લાખનો માલ તેમને આપ્યો હતો. ત્યારબાદ 20 દિવસ પછી પૈસાની ઉધરાણી કરતા ઉત્કર્ષભાઈએ 10 લાખનુ પેમેન્ટ કર્યું હતુ. ત્યારબાદ કંપનીના અન્ય ભાગીદારો હાર્દિકભાઈ, પ્રહલાદભાઈ. વિષ્ણુભાઈ,નિરવભાઈ અને શૈલેષભાઈ સાથે ફોનથી રૂપિયાની ઉધરાણી કરતા તેમને થોડા સમયમાં પૈસા આપી દેવાનો વાયદો કરતા હતા. જોકે બાકીના રૂ. 21.97 લાખ નહી ચુકવતા અંતે ઝેનુલભાઈએ આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં હેલીફેક્ષ કંપનીના 6 સંચાલકો સામે વિશ્વાસઘાત અને છેતરપીડીની ફરિયાદ નોંધાવી હતી.