ડેકોરેશનનો વ્યવસાય કરતા યુવક પાસેથી રૂ 28 હજાર પડાવ્યા
વસ્ત્રાલમાં ડેકોરેશનનો વ્યવસાય કરતો યુવક નારોલ ચાર રસ્તા પાસે મજૂરોને લેવા માટે ગયો ત્યારે નકલી પોલીસે વેશ્યાવૃતિ કરે છે કહીને ધમકાવી અવાવરૂ જગ્યાએ લઈ જઈને માર મારી નકલી પોલીસ અધિકારી સાથે વાત કરાવીને ધમકી આપીને રૂપિયા 28 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઉઠકબેઠક કરાવી છોડી મુક્યો હતો. આ અંગે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા ઈસનપુર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
વસાલમાં રહેતા અને ડેકોરેશનનું કામકાજ કરતા મણિકંદન દેવર(ઉ.28) ડેકોરેશનનું કામકાજ કરે છે. ગત ચોથી એપ્રિલે રાતના 11 વાગે ટુ વ્હીલર લઈને ડેકોરેશનના કામ માટે મજૂરોની જરૂર હોઈ નારોલ ચાર રસ્તા જતા મજૂરો મળ્યા નહતા. દરમિયાન ત્યાંથી પાછા ફરતા કેડિલાબ્રિજની શરૂઆતમાં બે અજાણ્યા પુરુષોએ તેને રોકીને વાહન સાઈડમાં કરાવીને વેશ્યાવૃતિ કેટલા સમયથી ચાલુ કરી છે તેમ કહી પોલીસની ઓળખ આપીને કેસ કરવાની ધમકી આપી લાફા માર્યા હતા. બાદમાં ફોન લગાવીને કહ્યું હતુ કે અમારા પોલીસ અધિકારી સાથે વાત કર ત્યારબાદ સામે છેડેથી બોલતા શખ્સે અધિકારીની ઓળખ આપી જેલમાં જવુ નહોય તો એક લાખ રૂપિયા ની માંગણી કરી હતી.
બાદમાં બંને શખ્સોએ મણિકંદનની પાસે ઓનલાઈન રૂપિયા 28 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ઉઠકબેઠક કરાવીને ધમકી આપી છોડી મુકયો હતો. આ અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ કરી બનાવટી પોલીસ યાસીન ઉર્ફે પપૈયા કુરેશી. મોહસીન શેખ અને અબરાર પઠાણની ધરપકડ કરી રૂા. 28 હજારનો મુદામાલ કબજે કર્યો હતો.
આરોપી યાસીન કુરેશી સાત પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસના ગુનામાં પકડાયેલો છે. જયારે મોહસીન અને અબરાર બે ગુનામાં પકડાયેલા છે. આ ત્રણેએ કુલ 11 ગુના આચર્યા છે.