બે સગાભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
શાહીબાગમાં રહેતી યુવતી પસાર થતી હતી ત્યારે બે પાડોશી યુવક ગાળો બોલતા હોઈ યુવતીએ ઠપકો આપ્યો હતો. આ વાતને લઈને આ યુવકોએ યુવતીના ઘર પર પથ્થરમારો કર્યો હતો જેમાં યુવતીના દાદા મામા અને માતાને ઈજા થઈ હતી.
શાહીબાગમાં ચમનપુરામાં રહેતી અને યુ. એન હોસ્પિટલમાં પેશન્ટ એડેન્ટન્ડ તરીકે નોકરી કરતી અંજલિ રમેશભાઈ બડાયાવાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત શુક્રવારે સાંજના સમયે તેણી નોકરી પુરી કરી ઘર તરફ આવી રહી હતી.આ સમયે તેના ઘર પાસે પહોચતા પાડોશમાં રહેતા વિશાલ ઉર્ફે ગુહુ પટણી અને તેનો ભાઈ કૌશિક ગાળો બોલતા હતા. આ સમયે અંજલિએ તેમને ગાળો નહીં બોલવા ઠપકો આપતા તેમણે યુવતી સાથે ઝઘડો કર્યો હતો.
આથી અંજલિ તેની માતાને આ અંગે જાણ કરવા માટે કડિયાની ચાલીના નાકે ગઈ હતી. આ સમયે તેના મામા વિજયભાઈ અને દાદા પ્રહલાદભાઈને વાત કરી હતી. ત્યારબાદ આ લોકો સાથે ઘર પાસે આવ્યા ત્યારે અંજલિના દાદા ગાળો નહીં બોલવા અંગે વિશાલ અને કૌશિકને સમજાવવા ગયા ત્યારે તેમણે અચાનક પથ્થરો મારવા લાગ્યા હતા જેમાં અંજલિના મામા, દાદા અને માતાને ઈજા થઈ હતી. બી આ અંગે શાહીબાગ પોલીસે બંને ભાઈઓ સામે ગુનો નોંધ્યો.