ચાર કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવાઈ
વટવા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં કામ કરતા ચાર કર્મચારીઓ સામે કંપનીએ 100 મીટર કોપર વાયર ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
વટવા જીઆઈડીસી ફેઝ-4 માં વિન્ડસર મશીન્સ કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ એચ આર તરીકે નોકરી કરતા હિતેશકુમાર કાછીયાએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ગત તા 14 મીએ તેઓ મુંબઈ ખાતે હતા ત્યારે સાંજના સમયે કંપનીના સિકયુરીટી ઈન્ચાર્જનો ફોન આવ્યો હતો કે કંપનીમાં કામ કરતા જયદીપકુમાર ચૌહાણ, રાહુલ ચૌહાણ જયેશ ચૌહાણ અને મહેશકુમાર ડાભીએ કંપનીના સ્ટોરરૂમમાં તથા એસેમ્બલી વિભાગમાં લાગેલા કોપરના વાયરો કાપી થેલામાં ભરીને ચોરી કરી છે તેમને પકડયા હતા પરંતુ તેઓ ભાગી ગયા છે.
ત્યારબાદ મુંબઈથી આવીને તપાસ કરતા કંપનીમાંથી સ્ટોરરૂમમાં તેમજ એસેમ્બલી વિભાગમા લાગેલા કોપર વાયરોમાં આશરે 100 મીટર કોપર વાયર કિંમત રૂ. એક લાખની ચોરી થયાની જાણ થઈ હતી.
આ અંગે હિતેશકુમાર કાછીયાએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જયદીપકુમાર ચૌહાણ, રાહુલ ચૌહાણ જયેશ ચૌહાણ અને મહેશકુમાર ડાભી સામે ચોરીની ફરિયાદ નોંધાવી.