ટીડીઓ વિભાગના વાંધાઓ જ ધ્યાન ન લેવાયા
શહેરમાં ઓઢવ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા ગરીબો માટે બનાવવામાં આવેલા ઇડબલ્યુએસ આવાસો તૈયાર થઈ ગયા છે. જોકે આ આવાસોમાં જીડીસીઆરના નિયમ પ્રમાણે અનેક બાબતોનો ભંગ કરાયો છે. તે સિવાય એસ્ટેટ વિભાગ દ્વારા પણ આ બિલ્ડીંગને બીયુ પરમીશન આપતાં પહેલા જે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા તેને પણ અભરાઇએ ચઢાવી દઈ મ્યુનિ. દ્વારા બિલ્ડીંગ યુઝ પરમીશન આપી દેવામાં આવી હોવાનો આક્ષેપ કોર્પોરેટર જગદિશ રાઠોડે કર્યો છે.
મ્યુનિ. કમિશનરને લખેલા પત્રમાં તેમણે બીયુ પરમીશન રદ્દ કરવા માટે માગ કરી છે. તેમણે એવી રજૂઆત કરી છેકે, આ બિલ્ડીંગ બનાવવા માટે જ્યારે રજા ચિઠ્ઠી આપવામાં આવી ત્યારે બિલ્ડીંગમાં સોલાર સીસ્ટમ લગાવવી, ઓર્ગેનીક વેસ્ટ કન્વર્ટર મુકવું. ડી.જી. સેટ લગાવવું, પરકોલેશન વેલની કામગીરી કરવી, બાંધકામ વપરાશ માટે નોટરાઇઝ બાંહેધરી રજુ કરવી, મંજુર થયેલા પ્લાન પ્રમાણે સ્થળ પર વૃક્ષારોપણ કરવું, ટોઇલેટ બાથરૂમમાં વેન્ટીલેટરમાં ગ્લાસ લગાવવા સહિતની કામગીરી કરવામાં નહી આવી હોવાના વાંધા એસ્ટેટ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. રજા ચિઠ્ઠી આપતાં પહેલા આ શરતોનું પાલન કરવું આવશ્યક છે. જોકે તેનો ભંગ કરવામાં આવ્યો છે. ત્યારે 1193 જેટલા મકાનો માટે બીયુ પરમીશન પાછળા બારણે આપી દેવામાં આવી છે.