ઝોન -5 એલસીબીની ટીમે રામોલમાં બુટલેગરના અડ્ડા પર રેડ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 111 બોટલો સાથે એક આરોપીની ધરપકડ કરી હતી જયારે દારૂ આપનાર વોન્ટેડ આરોપીની શોધખોળ આદરી છે. આ ગુનામાં પિતાપુત્ર દારૂનો ધંધો કરતા હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ છે.
ઝોન- 5 એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ જયેશભાઈ મોતીભાઈને બાતમી મળી હતીકે રામોલ રામરાજયનગરમાં સંતોષીનગરમાં મકાન નંબર 106માં રહેતો ગોપાલપ્રસાદ શર્મા તેના મકાનમાં વિદેશી બનાવટનો દારૂનો જથ્થો રાખી વેપાર કરે છે. બાતમીના પગલે ઝોન-5 એલસીબીની ટીમે સ્થળ પર રેડ કરી હતી જેમાં ગોપાલપ્રસાદ શર્મા ઘરમાં મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા રસોડામાં પ્લાસ્ટીકના થેલામાં તેમજ ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની નાની મોટી બોટલો મળી આવી હતી.
પોલીસે કુલ 111 બોટલો કિંમત રૂપિયા 95,760 ની કબજે લીધી હતી. આ અંગે પોલીસે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને આરોપી ગોપાલપ્રસાદ શર્માની ધરપકડ કરીને તે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો છે તે બાબતે પુછપરછ કરતા તેણે કહ્યુ હતુ કે વિદેશી દારૂનો જથ્થો તેને તેના પુત્ર સુશાંત ઉર્ફે સલ્લુ શર્માએ વેચાણ કરવા માટે આપ્યો છે. વધુમાં ગોપાલપ્રસાદ શર્માએ તે અને તેનો પુત્ર સુશાંત વિદેશી દારૂનો છુટકમાં વેચાણ કરતા હોવાની પણ કબુલાત કરી હતી. ઝોન 5 એલસીબીએ આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ગોપાલપ્રસાદ શર્મા અને તેના પુત્ર સુશાંત સામે ગુનો દાખલ કરાવ્યો હતો.