વટવા પોલીસે મહારાષ્ટ્રથી ગાંજાનો જથ્થો લઈ રાજકોટ જતા યુવકને રોપડા પાસેથી પકડી લીધો
આર્થિક જરૂરીયાત વ્યકિતને ગુનો કરવા સુધી પહોંચાડી દેતી હોય છે તેવી હિન્દી ફિલ્મના જેવી પણ રીયલ કહાની વટવા પોલીસે ગાંજા સાથે પકડેલા દેવભૂમિ દ્રારકા જિલ્લાના યુવક પાસેથી પોલીસને જાણવા મળી હતી. સલાયા ગામમાં રહેતો 18 વર્ષીય યુવક માછીમારી કરીને પરિવારનુ પોષણ કરતો હતો. જો કે વરસાદની સીઝનમાં માછીમારી બંધ થઈ ગઈ અને બીજીબાજુ બિમાર માતાની સારવાર માટે રૂપિયાની જરૂર હતી. આ સ્થિતિમાં સોશીયલ મીડીય મારફતે રાજકોટના એક શખ્સ સાથે વાત થતા યુવક ગાંજાની હેરાફેરી કરતો થઈ ગયો હતો. જો કે મહારાષ્ટ્રથી ગાંજો લઈને આવતા વટવા પોલીસે તેને ઝડપી પાડયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં રહેતો ફિરોજ સંધાર (ઉ.18) ચોમાસુ હોઈ માછીમારીનો ધંધો બંધ થઈ જતા બેકાર થઈ ગયો હતો.ત્યાં તેની બિમાર માતાની સારવાર માટે રૂપિયાની જરૂરીયાત હતી. દરમિયાન ફિરોજને રાજકોટમાં રહેતા મોહમંદ અમીન સાથે ઈન્સ્ટગ્રામ થકી ઓળખાણ થઈ અને ફિરોજે પોતાની આર્થિક પરિસ્થતિનું વર્ણન મિત્ર આગળ કર્યું હતું.
ત્યારે મોહમંદ આમીને મહારાષ્ટ્રના ધુલિયા ગામેથી ગાંજાનો જથ્થો લાવી આપે તો રૂપિયા 10 હજાર મળશે તેમ જણાવ્યું હતું. રૂપિયાની લાલચમાં આવીને ફિરોજ આ કામ માટે તૈયાર થઈ ગયો હતો. દરમિયાન ગત 27 જુને મોહંમદ અમીને ઈન્સ્ટાગ્રામમાં ફિરોજને મેસેજ કર્યો અને ધુલિયાથી ગાંજો લાવવાનું કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે ફિરોજ સલાયાથી બસમાં બેસીને સુરત ખાતે પહોંચ્યો અને ત્યાંથી બસ બદલીને મહારાષ્ટ્રના ધુલિયા બસ સ્ટેન્ડ પહોચ્યો હતો. ત્યારબાદ મોહમંદ અમીને આપેલા નંબર પર ફોન કરતા એક 30થી 35 વર્ષની યુવતી ગાંજાના બે પેકેટ લઈને આવી હતી અને ફિરોજને આપ્યા હતા.
બાદમાં ફિરોજ ધુલિયાથી સુરત આવ્યો અને સુરતથી અમદાવાદ એસપી રિંગ રોડ વટવા રોપડા સર્કલ ઉતર્યો હતો. રોપડાસર્કલથી રાજકોટ જતી બસની રાહ જોઈને ઉભો હતો. આ દરમિયાન જ વટવા પોલીસે બાતમીના આધારે ફિરોજની ધરપકડ કરીને તેની પાસે રહેલા બેગની તપાસ કરતા તેમાંથી સેલોટેપ લપેટેલા બે બોક્સ મળી આવ્યા જેમાં ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ વટવા પોલીસે ગાંજાનું એફ એસ એલ પરીક્ષણ કરવાતા ખરાઈ કરવાતા ગાંજો હોવાનું સાબિત થયું હતું.આ મામલે વટવા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ફિરોજ હમીદ રજાકભાઈ ઉર્ફે રાજુ સંધારની ધરપકડ કરી છે. બીજી બાજુ ગાંજો મંગાવનાર મોહમંદ અમીન અને ગાંજો આપનાર ધુલિયાની અજાણી યુવતીની શોધખોળ આદરી છે.