સોશિયલ મીડિયા પરથી સંપર્ક થતાં ઘરોબો કેળવી શાહીબાગના વેપારીને વિશ્વાસમાં લીધા
પહેલાં 1 લાખ રોકાણ પર 50 હજાર નફો થતાં ટુકડે ટુકડે 52 લાખ ભરાવી છેતરપિંડી કરી
યુવતીએ ફેસબુક પર વેપારી સાથે ઘરોબો કેળવી યુએસના પ્લેટફોર્મ પર ઓનલાઈન ટ્રેડિંગ કરીને રોકાણ પર વધારે નફો કમાવવાની લાલચ આપીને રૂ.66.66 લાખ પડાવી લીધા હતા. વેપારીએ રૂ.14 લાખનું રોકાણ કર્યુ હતું. જેની સામે તેમને વોલેટમાં પ્રોફિટ સાથે રૂ.49 લાખ બેલેન્સ દેખાતું હતું. જે વિડ્રો કરવા માટે ઈન્કમટેક્સ, મની લોન્ડરિંગ રિસ્ક, ગ્રીન ચેનલ ફી પેટે રૂ.52.66 લાખ ભરાવડાવ્યા હતા.
શાહીબાગના પંકજ અગ્રવાલને 14 જાન્યુઆરીએ ફેસબુક જોતી વખતે વિશિકા અગ્રવાલ નામની પ્રોફાઈલ પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે તેમણે સ્વીકારી હતી. ત્યારબાદ બંને ચેટિંગ કરતા હતા અને મોબાઈલ નંબરની આપ લે કરીને વાતચીત થતી હતી.યુવતીએ તે હૈદરાબાદની હોવાનું કહી ઘર-ઓફિસનું સરનામું આપ્યું હતું. ચેટિંગદરમિયાન વિશાકા એ પંકજભાઈને કહ્યું હતું કે તે 4 વર્ષથી બીટોપ ઈન્ડિયા નામના યુએસએના પ્લેટફોર્મ ઉપર ઓનલાઈન ટ્રેડિંગ કરીને સારો નફો કમાય છે. જો તમારે પણ ધંધાનીસાથે ઓછા સમયમાં વધારે સારો નફો કમાવવો હોય તો આ પ્લેટફોર્મ ઉપર ટ્રેડિંગ ચાલુ કરો.જો કે શરૂઆતમાં પંકજભાઈએ ના પાડી હતી. પરંતુ વિશિકા વારંવાર દબાણ કરતી હોવાથી પંકજભાઈએ રૂ.1 લાખનું રોકાણ કર્યુ હતું. જે તેમના વોલેટમાં 1000 યુએસ ડોલર દેખાતા હતા. ત્યારબાદ વિશાકાની સલાહ પ્રમાણે પંકજભાઈએ ઓપ્શન ટ્રેડિંગ શરુકર્યુ હતુ. જેમાં 2 ટ્રેડ દ્વારા તેમને 440 ડોલરનો ફાયદો થયો હતો. તેમાંથી તેમણે 660 ડોલર એટલે કે 50,292 વિડ્રો કરતા તે પૈસા તેમના એકાઉન્ટમાં જમા થયા હતા.જેથી તેમને વિશ્વાસ આવતા તેમણે ટુકડે ટુકડે રૂ.14 લાખનું રોકાણ કર્યુ હતું. જે તેમના વોલેટમાં પ્રોફિટ સાથે 65,231 ડોલર બેલેન્સ દેખાતુ હતુ. જે અંદાજે રૂ.49 લાખ થતું હતું. તે પૈસા પંકજભાઈએ વિડ્રો કરવાનું કહેતા તેમને 20 ટકા યુએસ પર્સનલ ઈન્કમટેક્સ ડિપોઝીટ, 30 ટકા મની લોન્ડરીંગ રીસ્ક ફી, 35 ટકા ગ્રીન ચેનલ ફી અને 35 ટકા એસક્રોવ કસ્ટડી ફી ભરવી પડશે. તો જે તમે પૈસા ઉપાડી શકશો તેવી વાત કરતા પંકજભાઈએ ટુકડે ટુકડે કુલ રૂ.52.66 લાખ જમા કરાવ્યા હતા.
વધુ 40 લાખ ભરવા માટે દબાણ પણ કર્યું હતું
પંકજભાઈએ જુદા જુદા ચાર્જ પેટે રૂ.52.66 લાખ ભરી દીધા હોવા છતાં તે પૈસા વિડ્રો કરી શક્યા ન હતા. આમ પંકજભાઈએ અગાઉના રોકાણના રૂ.14 લાખ અને ચાર્જના રૂ.52.66 લાખ મળીને કુલ રૂ.66.66 લાખ ભર્યા હતા. તે બધા પૈસા વિડ્રો કરવા માટે 35 ટકા ટેક્સ લેખે બીજા રૂ.40 લાખ ભરવા કહ્યું હતુ. જેથી શંકા જતા પંકજભાઈએ ફરિયાદ કરી હતી.