નિયમોનું ઉલ્લંધન કરનારા 9 એકમ સીલ
શહેરના ઉત્તર ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને જાહેરમાં ગંદકી કરનારા એકમો સામે મ્યુનિ. દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 9 એકમને સીલ કરાયા હતા. જ્યારે 294 એકમને નોટીસ ફટકારી હતી. આગામી દિવસોમાં પણ પ્રતિબંધીત પ્લાસ્ટિક અને ગંદકી મામલે મ્યુનિ. કાર્યવાહી કરશે.
ઉત્તર ઝોનના નરોડા, સૈજપુર, કુબેરનગર સહિતના વોર્ડમાં મ્યુનિ.દ્વારા પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ,વેચાણ,સંગ્રહ અને ઉત્પાદન તેમજ જાહેરમાં ગંદકી કરનારા એકમો સામે સખ્ત કાર્યવાહી કરાઈ હતી. જેમાં ઝોનના વિવિધ વોર્ડમાં ચાની કીટલી અને પાનના ગલ્લા પર તપાસ કરાઈ હતી. જેમાં ઘણી જગ્યાએ ડસ્ટબીન પણ ન હતા અને લોકો જાહેરમાં જ થુંકીને ગંદકી ફેલાવતા જોવા મળ્યા હતા. ઉપરાંત વધારે તપાસ કરતાં જુદા જુદા એકમમાંથી મળીને કુલ 4.8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો. જ્યારે જાહેર રોડ પર ડેબ્રીજ અને ગંદકી કરવા બદલ 9 એકમને સીલ કરાયા હતા. ઉપરાંત 294 એકમને નોટીસ આપીને રૂ.93,400 દંડની વસૂલાત કરાઈ હતી.
નોંધનીય છે કે,શહેરીજનોના આરોગ્ય સાથે ચેંડા કરતા અને રોડ પર ગંદકી કરતા ધંધાકિય એકમો સામે આરોગ્યના હેતુસર આગામી દિવસોમાં મ્યુનિ દ્વારા કાર્યવાહી કરાશે. જેમાં એકમોને નોટિસ અને દંડ વસૂલાશે.