તંત્ર દ્વારા ગુણવત્તા ચેકિંગ કરીને યોગ્ય પગલાં ભરવા લોકમાગ
શહેરના પૂર્વ વિસ્તારના વિવિધ માર્ગો પર ડ્રેનેજ લાઈનના ચેમ્બર તૂટવાની તેમજ તેના સ્ટ્રક્ચર બિસમાર થવાની ફરિયાદો ફરી એકવાર વધી છે. ગટરના ઢાંકણા તેમજ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ચેમ્બરના ઢાંકણાઓ થોડા જ દિવસોમાં બિસમાર બનવાની સમસ્યાને પગલે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા તાકિદે આ સિમેન્ટથી તૈયાર થયેલા ઢાંકણાઓની ગુણવત્તાની તપાસ કરાવવામાં આવે તેવી માગ ઉગ્ર બની છે.
શહેરના પૂર્વ વિસ્તારના નિકોલ, વસ્ત્રાલ, રખિયાલ, ખોખરા, અમરાઈવાડી, રામોલ, હાટકેશ્વર,ઓઢવ સહિતના વિવિધ વિસ્તારોમાં છેલ્લાં કેટલાક દિવસોમાં ગટરના ઢાંકણાની ચેમ્બર તેમજ ઢાંકણા બિસમાર થવાની સમસ્યા વધવાને પગલે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢાંકણા બિસમાર હોવાથી વાહનચાલકોનો અકસમાત સર્જાવાની શક્યતા વધી જાય છે.
એટલે સ્થાનિકો તુટેલા ઢાંકાણા પર લાકડી લગાવીને વાહનચાલકોને સતર્ક કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વરસાદને પગલે પાણી ભરાઈ જવાની સમસ્યાને પગલે અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિકો દ્વારા વરસાદમાં લોકો અકસ્માતનો ભોગ ન બને તે માટે પણ ખડેપગે જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા તાકિદે રસ્તા પર નાખવામાં આવેલા ગટરોના ઢાંકણાની ગુણવત્તા તપાસમાં આવે તેવી માગ કરી રહ્યા છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે, ઢાંકણા નાખ્યાના ગણતરીના દિવસોમાં જ ઢાંકણા બિસમાર બની રહ્યા છે પરંતુ તંત્ર તેને બદલીને સંતોષ માની રહ્યા છે