લાઈટો બંધ હોવાથી અકસ્માતનું જોખમ
શહેરના સરદાર પટેલ રીંગરોડ પર વિંઝોલ રેલવે ઓવરબ્રિજ પર છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. જેના કારણે અકસ્માત થવાનું જોખમ વધી ગયું છે. તેમજ અસામાજિક તત્વો અંધારાનો લાભલઈને જીઆઈડીસીના કામદારોને લૂંટી લેતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.
આ અંગે સ્થાનિક અગ્રણીએ કહ્યું હતું કે, સરદાર પટેલ રિંગરોડ પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે. તેમાં પણ માલસામાન લઈને જતાં ટ્રક સહિતના ભારે વાહનોની આવનજાવન વધારે રહે છે. ત્યારે વિંઝોલ રેલવે ઓવરબ્રિજ પર છેલ્લા કેટલા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગઈ છે. ઉપરાંત બ્રિજનો રસ્તો પણ બિસમાર હાલતમાં છે, કેમકે ઠેર ઠેર ગાબડા પડી ગયા છે.
ત્યારે અંધારામાં કોઈ વાહન ખાડામાં પછડાય ત્યારે વાહનચાલક બેલેન્સ ગુમાવી દે તો અકસ્માત સર્જાવાની શક્યતા રહેલી છે. એટલે રોડનું સમારકામ કરાવાની સાથે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. એટલે આ મામલે સ્થાનિકો દ્વારા મ્યુનિ.માં સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા માટે રજૂઆત કરાઈ હતી. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે. બીજી તરફ રાતના સમયે અસામાજિક તત્વો બંધ લાઈટોના લીધે અંધારાનો લાભ લઈને વટવા જીઆઈડીસીમાંથી અવરજવર કરતા કામદારોને લૂંટી લેતા હોવાની પણ ફરિયાદો ઊઠવા લાગી છે. એટલે આ લાઈટોની સમસ્યાના ઉકેલ માટે મ્યુનિ. તાકિદે કામગીરી કરે તેવી લોકમાગ ઊઠી છે.