ખરાબ રોડના લીધે ચાલકોને હાલાકીના અહેવાલ બાદ તંત્રે કામ તો કર્યું પણ જગ્યા ખોટી લીધી
ફાટક પાસે રોડનું સમારકામ કરવામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર ઉદાસીનતા દાખવતું હોવાની ફરિયાદ
શહેરના મણિનગર રેલવે ફાટક પાસે રોડ બિસમાર હોવાના લીધે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડે છે. તે અંગે ભાસ્કરે અહેવાલ પ્રકાશિત તો કર્યો. જેના પગલે મ્યુનિ તંત્ર દોડતુ તો થયું પરંતુ સમારકામ જ્યાં કરવાનું હતું ત્યાં નહીં પણ તેનાથી 100 મીટર દુર આવેલા ધારાસભ્યના મકાન આગળ બિસમાર રોડનું સમારકામ કરીને મોટી કામગીરી કરી હોવાનો સંતોષ માની લીધો છે.
પૂર્વના પોશ વિસ્તાર ગણાતા મણિનગર વોર્ડમાં રેલવે ફાટક પાસે સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. સતત ધમધમતા રેલવે ફાટકના લીધે તેની બંને બાજુનો રસ્તો તુટી જતાં ઠેર ઠેર ગાબડા પડીગયા હતા. એટલે તેનુ સમારકામ કરવામાં રેલવે તંત્ર અને મ્યુનિ. તંત્ર એકબીજા ઉપર જવાબદારીનો ટોપલો નાંખીને હાથ ખંખેરી દીધાહતા. આ સમસ્યા અંગે શનિવારે ભાસ્કરે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેના પગલે મ્યુનિ તંત્રના અધિકારીઓએ રોડનું સમારકામકરવા દોડધામ કરી મુકી હતી. પરંતુ રેલવે ફાટક પાસે બિસમાર રોડનું સમારકામ કર્યું નહીં.
ઉલટાનું તેનાથી 100 મીટર દૂર મણિનગરના ધારાસભ્યના નિવાસસ્થાન આગળ પડેલા ગાબડાનું સમારકામ કરી દીધુ. જ્યાં સમારકામની જરૂર છે ત્યાં સમારકામ કરાયું જ નહીં.બીજી તરફ એક મહિનાથી સામાન્ય વરસાદમાં મણિનગર રેલવે ફાટકની આસપાસના બિસમાર રોડ અને ફાટકથી જશોદનગર સુધીના એક કિમીના રસ્તા પર ઘણી જગ્યાએ ખાડા પડી ગયેલા છે. જેના લીધે અકસ્માત થવાનું જોખમ રહેલું છે.