ઝઘડાની અદાવતમાં ચાર શખ્સો માર મારતા હતા
દાણીલીમડામાં રહેતા એક યુવકના પિતરાઈ ભાઈને થોડા દિવસો પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં ચાર શખ્સો દંડા અને પટ્ટાથી માર મારતા હતા. આ વખતે વચ્ચે બચાવવા પડેલા યુવકને માર મારીને છરીથી હુમલો કરતા યુવકને ઈજા થઈ હતી. આ અંગે યુવકે ચાર શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દાણીલીમડા વિસ્તારમાં રહેતો ગુલામ જીલાની પાસા( ઉ.27) બી ફાર્મમાં અભ્યાસ કરે છે. ચાર મહિના પહેલા તેના કૌટુંબિક ભાઈ મોહંમદ જાવેદને રીઝવાન સાથે કોઈક મામલે ઝઘડો થયો હતો તેનુ સમાધાન પણ થઈ ગયું હતું.
દરમિયાન સોમવારે રાતે ગુલામ જીલાની તેના મિત્રને નારોલ મુકવા માટે જતો હતો ત્યારે સુલેમાની મસ્જિદ પાસે મોહંમદ જાવેદને ચાર લોકો મોહંમદ બિલાલ પાસા, મોહંમદ રિઝવાન પાસા, સોરાબઅલી પાસા અને નૌશાદ પાસા ભેગા મળીને લાકડાના દંડા બેલ્ટ અને કેબલ વાયરની મારતા હતા. જેથી ગુલામ જીલાની તેને વચ્ચે બચાવવા પડયો હતો. આ સમયે મોહંમદ રિઝવાને ઉશ્કેરાઈને તેની ફેંટમાંથી છરી કાઢીને મારવા જતા ડાબો હાથ વચ્ચે નાખતા તેને આંગળી પર ઈજા થઈ હતી. આ વખતે બિલાલ સોરાબ અને નૌશાદે પણ તેને માર મારવાનુ શરૂ કર્યું હતુ. આ દરમિયાન બૂમાબૂમ કરતા ચારે નાસી છુટયા હતા.