એરપોર્ટ પોલીસે ગિફટ વાઉચરનો નંબર લઈ રૂપિયા પડાવતા બેની ધરપકડ કરી
એરપોર્ટ વિસ્તારમાં હાંસોલખાતે આવેલી રહેણાંક બિલ્ડીંગનામાં કોલ સેન્ટર ચલાવીને ફુગલ વોઈસ સોફટવેરના માધ્યમથી અમેરીકન નાગરીકોને લોન મંજૂર થઈ ગઈ હોવાના મેસેજ મોકલીને પોતાનો નંબર આપી છેતરપીંડી આચરતા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.
એરપોર્ટ પોલીસની ટીમ ગુરુવારે પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ અલ્પેશસિંહને બાતમી મળી હતી કે હાંસોલમાં આવેલી રાધે રેસીડેન્સીના બી બ્લોકમાં ત્રીજા માળે આવેલા મકાન નંબર 302માં અમેરીકન નાગરીકોનને લોન મંજૂર થયાનુ કહીને છેતરપીંડી આચરી ગીફટ વાઉચર મેળવવાની ગેરકાયદે પ્રવૃતિ ચાલી રહી છે.
બાતમીના પગલે એરપોર્ટ પોલીસની ટીમે રાધે રેસીડેન્સીમાં રેડ કરતા મકાનમાં બે વ્યકિતઓ કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન પર કામ કરતો મળી આવ્યા હતા. પોલીસે તેમના નામ પુછતા ચિરાગ જગદીશભાઈ મોટવાણી (ઉ.23 રહે રાધે રેસીડેન્સી, હાંસોલ સરદાર નગર ) અને અક્ષય લક્ષ્મણદાસ આહુજા(ઉ.21 રહે સિંધી કોલોની સરદારનગર) જાણવા મળ્યા હતા.
પોલીસે બંનેની પુછપરછ કરી તપાસ કરતા બંને ગુગલ વોઈસની મદદથી અમેરીકન નાગરીકોને લોન મંજૂર થઈ ગઈ હોવાના મેસેજ તેમજ કોલ કરીને તેમને વિશ્વાસમાં લઈને ખોટા નામ આપીને તેમનો ડેટા મેળવતા હતા. ત્યારબાદ તમારી લોન મંજૂર થઈ ગઈ હોવાના ઈમેઈલ મોકલી લોન મેળવવા માટે બેંક ડિટેઈલ માંગતા હતા.
એટલુ જ નહીં અમેરીકન નાગરીકોના બેંકખાતામાં ડુપ્લીકેટ ચેક જમા કરાવીને વોલમાર્ટ ગ્રીન ગિફટ કાર્ડ દ્રારા 100 થી 50 ડોલરના ગીફટ વાઉચર ખરીદ કરીને તે ગીફટ વાઉચરનો નંબર મેળવીને ભારતીય ચલણમાં કનવર્ટ કરીને હવાલા કે આંગડીયા મારફતે ભારતીય ચલણમાં નાણાં મેળવી અમરીકન નાગરીકો સાથે છેતરપીંડી આચરતા હોવાનુ બહાર આવ્યુ હતુ.
પોલીસે આરોપીઓ પાસેથી બે લેપટોપ. બે આઈફોન હેડફોન વગેરે મળી કુલ રૂપિયા 75,500 નો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.