રોડ પર શંકાસ્પદ રીતે પાર્ક કર્યું હોવાથી GSTની ટીમને શંકા ગઈ હતી
રાજસ્થાનથી દારૂ આવ્યો હતો, પોલીસની મદદથી લોક તોડી તપાસ
સનાથલ ટોલનાકા નજીક સંજરી પાર્કિંગમાં પડેલા કન્ટેનરમાંથી વિદેશી દારૂની 15,465 બોટલ પકડાઈ હતી. આ કન્ટેનર રોડ પર શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલું હોવાથી જીએસટી અધિકારીઓ શંકા જતા ત્યાં પહોંચ્યા હતા. કન્ટેનરને મારેલું લોક પોલીસની મદદથી ખોલવામાં આવ્યું હતું અને કન્ટેનર તેમજ દારૂ મળી રૂ.63.95 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
સંજરી પાર્કિંગમાં 3 કિમી અંદર રોડ પર એક કન્ટેનર શંકાસ્પદ હાલમાં પાર્ક કરેલું હતું. જીએસટીની ફલાઈંગ સ્ક્વોડે નંબરને આધારે તપાસ કરતા તેમાં શંકાસ્પદ રો મટીરિયલ હોવાનું જણાઈ આવ્યું હતું. જ્યારે કન્ટેનરને લોક હોવાથી જીએસટીના અધિકારીઓએ પોલીસને બોલાવી હતી. આ અંગેની જાણ થતા ઝોન – 7 એલસીબી પીઆઈ વાય.પી.જાડેજા સ્ટાફ સાથે ત્યાં પહોંચ્યા હતા.
પોલીસે લોક તોડીને જોયું તો કન્ટેનરમાંથી દારૂની 15,465 બોટલ મળી હતી. તેમાં ડ્રાઇવર જીગરસિંહ ચૌહાણનું લાઇસન્સ અને રાજસ્થાનનું સરનામું હતું. પોલીસનું કહેવુ છે કે, કન્ટેનરમાંથી વીમા પોલિસી તેમજ ફાસ્ટેગ સહિતની વિગતો મળી હતી. જેના આધારે વધુ તપાસ ચાલે છે.