પાણી ભરાતા સવારે 3 કલાક લોકો ઘરોમાં રહે છે
શહેરના શાહપુરમાં અંબેમાની ચાલીમાં છેલ્લા 3 મહિનાથી ગટરો ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કામગીરી કરાતી ન હોવાથી પાણી ભરાઈ રહેતા હોવાથી 400 લોકો સવારે 6 થી 9 વાગ્યા સુધી ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવી છે. આ સમસ્યાનો તાકિદે ઉકેલ લાવવા લોકો માંગણી કરી રહ્યા છે.
આ અંગે સ્થાનિક સંજય પરમારે કહ્યું હતું કે, શાહપુરમાં યોગેશ્વર મહાદેવ ચોક પાસે અંબેમાની ચાલીમાં છેલ્લા 3 મહિનાથી ગટરો બેક મારવાની સમસ્યા છે, જેના કારણે દરરોજ સવારે ગટરોના પાણી ચાલીમાં ભરાઈ જવાના લીધે લોકોને ગંદા પાણીમાં થઈને પસાર થવાનો વારો આવ્યો છે.
ઉપરાંત ગંદકીના લીધે 400 લોકો હેરાન થઈ રહ્યા છે, એટલે ઘરની બહાર જ પાણી ભરાયેલા હોવાથી સવારે 6 થી 9 વાગ્યા સુધીના 3 કલાક સુધી લોકો ઘરમાં જ પુરાઈ રહે છે. ગટરના પાણી ઓસર્યા બાદ જ લોકો ઘરમાંથી નીકળે છે. તેમાં પણ સવારે શાળાએ જતાં બાળકોના બુટ-મોજા પાણીમાં પલળી જાય એટલે તેઓ ગંદા પાણીમાંથી પગપાળા નીકળીને ચાલીની બહાર જઈને બુટ-મોજા પહેરે છે. ઘણીવાર બાળકો પાણી ઓસરવાની રાહ જોઈને બેસે છે. એટલે 9 વાગ્યે શાળાએ જાય તો શિક્ષકો બેસવા દેતા નથી. એટલે ગટરલાઈન નવી નાંખવા સહિત સમસ્યાના કાયમી ઉકેલ માટે રજૂઆત કરવા સમસ્યા ઉકેલાતી નથી. અવારનવાર એક કર્મચારી આવે જોઈને જતાં રહે છે. પરંતુ કામગીરી થતી જ નથી.