
ગ્રાહકે સાંભારમાં ચમચી નાખતાં જ વંદો દેખાયો
રેસ્ટોરાંએ યોગ્ય જવાબ ન આપતા મ્યુનિ.ની કાર્યવાહી
નિકોલમાં આવેલા ખાઉધરા પોઇન્ટમાં ભોજન કરવા ગયેલા એક પરિવારના સાંભારમાં પહેલી ચમચી લેતાં જ તેમાં વંદો આવ્યો હતો. જે મામલે ફરિયાદ થતાં મ્યુનિ.એ ખાઉધરા પોઇન્ટને સીલ કર્યું છે. મ્યુનિ.એ તપાસ કરતાં રેસ્ટોરાંમાં ઇનહાઇજેનિક સ્થિતિ જોવા મળી હતી.
નિકોલના ખાઉધરા પોઈન્ટ સામે તુષાર નાકરાણી દ્વારા મ્યુનિ. માં કરાયેલી ફરિયાદ પ્રમાણે રવિવારે તેઓ તેમની પત્ની સાથે જમવા માટે ગયા હતા. તેમણે ત્યાં ઢોંસાનો ઓર્ડર કર્યો હતો.
જે ઓર્ડરમાં પહેલા જ સંચાલકોએ તેમને સાંભાર આપ્યો હતો. જોકે સાંભારમાં ચમચી નાંખતાં જ તુષારભાઈના પત્નીને સાંભારમાં વંદો જોવા મળ્યો હતો. જે મામલે તેમણે સંચાલકોને ફરિયાદ કરી તો યોગ્ય કાર્યવાહી ન કરતાં મ્યુનિ.ને ફરિયાદ કરવામાં આવી હતી.