બિલ્ડર ગ્રૂપો સાથે સંકળાયેલી રાજકોટ, મોરબીની કંપનીઓ પર પણ આઈટીના દરોડા
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની સાથે ડીજીજીઆઈ પણ સર્ચ ઓપરેશનમાં જોડાઈ
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બુધવાર સવારે વડોદરાનાં રત્નમ ગ્રૂપ, સિદ્ધેશ્વર ન્યાલકરણ, કોટિયાર્ડ, શ્રીમય ગ્રૂપ પર શરૂ કરેલી દરોડા કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કુલ 11 કરોડથી વધુની રોકડ, જવેલરી, બેંક લોકર જપ્ત કર્યાં છે.અમદાવાદ, વડોદરા તથા સુરતમાં પણ આ ગ્રૂપના ધંધા તેમ જ રહેઠાણનાં સ્થળોએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. મૂળ દરોડા વડોદરામાં પાડવામાં આવ્યા છે, પણ તેની સાથે સંકળાયેલા લોકોના અમદાવાદ તથા સુરતનાં ઠેકાણે પણ સર્ચ કરાયું છે. અમદાવાદમાં પણ ચારથી પાંચ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. બિલ્ડરને ત્યાં દરોડામાં મળી આવેલા દસ્તાવેજો અને ડિજિટલ ડેટાના આધારે મોરબી, રાજકોટની પેઢીઓ પર પણ દરોડા પડ્યા છે.રાજકોટની ખેડા ઇન્ડસ્ટ્રિયલ પ્રા. લિ. અને મોરબીની કાર્મી કલર સેશ પ્રા.લિ.ના પ્રોપરાઈટર મનોજ વલેચા, રવિ મનસુખભાઈ જસાણી આ સિરામિક એન્ડ સ્ટોન મશીનરીના ધંધા સાથે સંકળાયેલા છે. આમ અત્યાર સુધીમાં કુલ 24 જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. બિલ્ડરના વ્યવહારોમાં જીએસટી ચોરી પણ જણાતાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે જીએસટીની ઇન્ટેલિજન્સ વિંગને જાણ કરતા ડીજીજીઆઈ પણ તપાસમાં જોડાઈ છે.
હવે ફ્લેટ-દુકાનની સામે રોકડને બદલે જમીન કે ફાર્મ હાઉસની અદલાબદલી કરીને કરચોરીની નવી MO
દરોડા દરમિયાન કરચોરીની નવી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. જેમાં ફ્લેટ-દુકાન વેચવા માટે રોકડની જગ્યાએ સાટા પદ્ધતિથી એગ્રિકલ્ચર જમીન અને ફાર્મહાઉસની અદલાબદલી કરાતી હોવાનું સામે આવ્યું છે. જેને કારણે ચોપડા પર એક તરફ વેચાણ ન બતાવી તેને બદલે સ્ટોકમાં બતાવાય છે. બીજી તરફ આવી મોડસ ઓપરેન્ડીમાં વેચાણ પરનો નફો ન બતાવી તેની પરનો જીએસટી પણ ન ભરી મોટી કરચોરી કરાતી હોવાનું બહાર આવ્યું છે. સામાન્ય રીતે જીએસટીમાં જો એડવાન્સ પૈસા ન બતાવવામાં આવે અને બીયુ પછી વેચાણ કરવામાં આવે તો તેવા કિસ્સામાં જીએસટી લાગતો નથી.