સરગાસણના વિઝા કન્સલ્ટન્ટે વડોદરાના એજન્ટ મારફતે ફાઈલો મૂકી હતી
26 ફાઇલ પેટે 3.66 કરોડ લીધા હતા, જેમાંથી ટુકડે ટુકડે 76 લાખ જ પાછા આપ્યા
ગાંધીનગરના સરગાસણમાં ઓફિસ ધરાવતા વિઝા કન્સલ્ટન્ટે વડોદરાના એક એજન્ટને 26 લોકોની કેનેડાની વર્ક પરમિટ અને પીઆરની ફાઈલ આપી હતી, જે પેટે 3.66 કરોડ પણ આપ્યા હતા. તેમાંથી માત્ર એકને વિઝા મળ્યા હતા. જ્યારે બાકીના 25નારિજેકટ થયા હતા. આથી વડોદરાના એજન્ટે 3.39 કરોડમાંથી માત્ર 76 લાખ જ આપ્યા હતા. જ્યારે બાકી રહેલા 2.33 કરોડ પાછા નહીં આપી છેતરપિંડી કરતા સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધ્યો છે.
ગાંધીનગરના સરગાસણમાં રહેતા જનકકુમાર જિતેન્દ્રકુમાર પટેલ (ઉ.34) સરગાસણના કેપિટોલ આઈકોન બિલ્ડિંગમાં ઓફિસ ધરાવી નારાયણ કન્સલ્ટન્ટ નામથી વિઝા કન્સલ્ટન્સી ધરાવે છે. તેઓ કેનેડા વર્ક પરમિટ અને પીઆર વિઝાનું કામ કરે છે. 2022માં જનકકુમારનો સંપર્ક વડોદરામાં ઓવરસીઝ ગેટ વે ડિવિઝન ઓફ ઓજી બિઝનેસ સોલ્યુશન ઓપીસી પ્રા.લિ. નામથી વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતા ગગનદીપ અમરપ્રીતસિંગ સાથે થયો હતો.
ત્યારથી જનકકુમાર તેમના ત્યાં વિઝા માટે આવતી ફાઇલો ગગનદીપને પણ આપતા હતા. માર્ચ 2022થી જાન્યુઆરી 2024 સુધીમાં જનકકુમારે ગગનદીપને કેનેડાના વિઝાની 26 ફાઇલ આપી હતી, જે પેટે તેમણે કુલ 3.66 કરોડ પણ ગગનદીપને આપ્યા હતા. તેમાંથી એકને વિઝા મળી ગયા હતા. જ્યારે બાકીના 25ના વિઝા રિજેક્ટ થયા હતા, જેથી જનકકુમારે ગગનદીપ પાસે 25 ફાઈલના રૂ.3.39 કરોડ પાછા માગ્યા હતા. જોકે તેમાંથી ગગનદીપે ટુકડે ટુકડે રૂ.76 લાખ પાછા આપ્યા હતા.
જ્યારે બાકી રહેલા રૂ.2.33 કરોડ પાછા આપ્યા ન હતા અને થોડા સમય બાદ ઓફિસને તાળાં મારી દીધાં હતાં. જ્યારે જનકકુમારે આ વિશે તેમની ઓફિસમાં નોકરી કરતા હમ્બીરસિંઘ ઉર્ફે વીરજી સીનસીનવરને વાત કરી હતી, જેથી હમ્બીરસિંધ તેમને ગગનદીપ વિરુદ્ધ પોલીસ કેસ નહીં કરવા અને પૈસા પાછા આપી દેવા બાંયધરી આપી હતી, પરંતુ જનકકુમારને રૂ.2.33 કરોડ પાછા નહીં મળતા આખરે તેમણે સીઆઈડી ક્રાઈમમાં ગગનદીપ અને હમ્બીરસિંઘ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.