
સમારકામ કરવામા તંત્રને કોઈ રસ નથી, વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે
મ્યુનિ કાર્યક્રમોમાં રાતોરાત રોડ બનાવતાં તંત્રને ભૂવાનું સમારકામ કરવાનો સમય કયારે મળશે
શહેરના ઓઢવ સોનીની ચાલી પાસે ભૂવો પડ્યાને એક પખવાડિયા જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં તેનું સમારકામ કરવામાં મ્યુનિ તંત્ર ઉદાસીનતા દાખવતું હોવાના લીધે વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે મ્યુનિ.માં રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરાતી નથી. ત્યારે મ્યુનિ.ના કાર્યક્રમ માટે રાતોરાત રોડ બનાવતા તંત્રને ભૂવાનું સમારકામ કરવાનો સમય કેમ મળતો નથી? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઓઢવ સોનીની ચાલી ઓવરબ્રિજ નીચે અજીતમિલ રખિયાલ તરફ જતાં રોડપરંપખવાડિયાથી પડેલા ભુવાને પગલે વળાંક લેવામાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આખો દિવસ અને રાતે ટ્રાફિકથી વ્યસ્ત રહેતા માર્ગ પર એએમસીએ ભૂવાનું કોઈ સમારકામ કર્યું ન હોવાના લીધે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. ઉપરાંત બ્રિજ નીચેના રસ્તા પરના રોડમાં ગાબડા પડેલા હોવાથી વાહનચાલકો હેરાન થઈ ગયા છે.
ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો ઉબડખાબડ રોડના લીધે બેલેન્સ ગુમાવી દેતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેના લીધે ઘણીવાર ટુ-વ્હીલરચાલકો પટકાતા હોવાની ફરિયાદો ઊઠવા લાગી છે. વસ્ત્રાલથી ઓઢવ સોનીની ચાલી પાસેના કોમ્પલેક્ષમાં ધંધો કરતા અને રોજ અપડાઉન કરતાં વેપારી લલિત જૈને આ ભૂવાની સમસ્યા અંગે મ્યુનિ કોર્પોરેશનમાં ફરિયાદો કરતાં તંત્ર દ્વારા ખાસ કોઈ કામગીરી કરાતી નથી. જેના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. સમસ્યાના નિકાલ માટે કામગીરી કરવા લોકો માંગણી કરી રહ્યા છે.
સમારકામ પણ ટલ્લે વટવામાં એક વર્ષથી રોડનું
શહેરના વટવાના અમન પ્લાઝા પાસેના મુખ્ય રોડ પર ગટરલાઈનની કામગીરી પૂર્ણ કર્યા બાદ રોડનું સમારકામ કરવામાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. જેના કારણે એક વર્ષથી બિસમાર રોડના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. છતાં તંત્ર સમારકામ કરવાનું નામ લેતું નથી. એટલે ભૂવો હોય કે બિસમાર રોડ તંત્રને સમારકામ કરવામાં કોઈ રસ નથી. જેના કારણે દરરોજ નાનામોટા અકસ્માતો થાય છે.