
પોલીસે 4 સામે ગુનો દાખલ કરી 3ની ધરપકડ કરી
મૂળ બિહારના અને નારોલમાં રાધે હોમ્સમાં રહેતા શુભકુમાર ભૂમિહાર અસલાલીમાં ક્રેન ધરાવીને વેપાર કરે છે. તેમના નીચેના મકાનમાં તેમના કાકા નિરજકુમાર શ્યામસુંદર પરિહાર પરિવાર સાથે રહે છે.
ગત રવિવારે સાંજના શુભકુમાર ઘરે હાજર હતા ત્યારે આશરે નવ વાગે ઘર નીચે બૂમાબૂમ થતા તેઓ નીચે જતા તેમના કાકા નિરદકુમાર પણ બહાર આવ્યા હતા. આ સમયે તેમના કાકાના દિકરા સત્યમ સાથે વિનય ઉર્ફે બબલુ યાદવ, અભિષેક રાજપૂત સાહીલ યાદવ અને બિપીન ઉર્ફ સત્યવાન યાદવ ઝઘડો કરીને તેને માર મારતા હતા.
આ સમયે સત્યમને અભિષેકે છરી મારતા જમણા પડખાના ભાગે ઈજા થઈ હતી.આ સમયે નિરજકુમાર છોડાવવા વચ્ચે પડતા બિપીને તેમને પાઈપનો ફટકો માર્યો હતો. દરિમાયન સાહીલે છરી ઉગામતા શુભમકુમારને બંને હાથે કલાઈના ભાગે, ગળાના ભાગે ઈજા થઈ હતી.
દરમિયાન તેઓ ખસી જતા તેમના કાકા નિરજકુમારને બબલુ યાદવ છરી મારી દીધી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે નિરજકુમારને મૃત જાહેર કર્યા હતા.
આ મામલે નારોલ પોલીસે વિનય ઉર્ફે બબલુ યાદવ, અભિષેક રાજપુત, સાહીલ યાદવ અને બિપીન ઉર્ફે સત્યવાન યાદવ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ મામલે નારોલ ઇન્સપેક્ટર પી. સી. દેસાઈએ જણાવ્યુ કે ઈજાગ્રસ્ત સત્યમની બહેનને આદિત્ય નામના યુવક સાથે વાતચીત થતી હોવાની શંકાના આધારે ઠપકો આપ્યો હતો. જેની અદાવતમાં ચાર લોકોએ હથિયારથી હુમલો કરીને એકનું મોત નિપજાવ્યુ હતું. આ મામલે પોલીસે વિનય ઉર્ફે બબલુ યાદવ, અભિષેક રાજપુત, સાહીલ યાદવની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.