
ટુ-વ્હીલર ચાલકો બેલેન્સ ગૂમાવી દેતાં હોવાની ફરિયાદો
ખરાબ રોડનું તાકિદે સમારકામ કરવા સ્થાનિકોની માંગણી
શહેરના પૂર્વ વિસ્તારના રીંગરોડ પર રોપડા ઓવરબ્રિજ પાસેનો રોડ બિસમાર બનતા લોકોને અવરજવર કરવામાં હેરાનગતિ ભોગવવી પડે છે. રોડ એટલી હદે ખરાબ થઈ ગયા છે કે ટુ-વ્હીલર ચાલકો તો બેલેન્સ ગુમાવી દેતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. એટલે આ રોડથી પસાર થતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એટલે આ રોડનું તાકિદે સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.
આ અંગે સ્થાનિક દેવેન્દ્ર મંડલીએ જણાવ્યું હતું કે, ટ્રાફિકથી ધમધમતા સરદાર પટેલ રીંગરોડ પર રોપડા ઓવરબ્રિજ પાસેનો રોડ છેલ્લા ઘણાં સમયથી બિસમાર બની ગયો છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. બિસમાર રોડથી પસાર થતા વાહનો ખાડામાં પટકાતા હોવાની ફરિયાદો ઊઠવા લાગી છે.
ઘણીવાર તો ટુ-વ્હીલર ચાલકો તો ખરાબ રોડના લીધે સંતુલન ગુમાવી દેતા હોય છે. જેના કારણે રોડપરપટકાતા અકસ્માત સર્જાય છે. જેમાં ટુ-વ્હીલર ચાલકોને ઈજા થતી હોવાના બનાવો પણ બની રહ્યા છે. એટલે આ રોડથી પસાર થવુ જાણે સાત કોઠા પાર કરવા જેવી સ્થિતિ નિર્માણ પામતી હોય તેવુ લાગે છે.
એટલે આ બિસમાર રોડના કારણે અકસ્માતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. છતાં તંત્ર દ્વારા રોડનું સમારકામ કરવામાં કોઈ ધ્યાન આપતુ નથી.