
રજૂઆતો કરવા છતાં કામગીરી કરવામાં તંત્ર ઉદાસીન
અધિકારીઓ અને કોર્પોરેટરોને જાણ કરી છતાં ધ્યાન આપતા નથી
શહેરના વટવાના ચુનારાવાસમાં છેલ્લા એક મહિનાથી ગટરલાઈન ઉભરાતા દૂર્ગંધથી લોકો હેરાન-પરેસાન થઈ ગયા છે. ઉપરાંત ગંદકીના લીધે વિસ્તારમાં મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થયો છતાં તંત્ર દ્વારા ડ્રેનેજની કામગીરી કરાતી જ નથી.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, વટવાના ચુનારાવાસમાં આવેલી જોગણી માતાની ચાલીમાં એક મહિનાથી ગટર ઉભરાતા ગંદા પાણી ચાલીમાં ભરાઈ જાય છે. એટલે તીર્વ દૂર્ગંધથી લોકો ત્રસ્ત છે. જ્યારે ગંદા પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં વિસ્તારમાં મચ્છરજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે.
એટલે લોકો બિમાર પડી રહ્યા હોવાથી સ્થાનિકો દ્વારા મ્યુનિ.ના અધિકારીઓ અને વટવાના કોર્પોરેટરોને રજૂઆત કરાઈ હતી.તેમ છતાં ડ્રેનેજની સફાઈની કામગીરી કરવા સહિતની કામગીરી કરાતી જ નથી. જેના કારણે હાલ તો ચુનારાવાસના રહીશોને હેરાન થવાનો વારો આવ્યો છે. ત્યારે ટેક્સ ઉઘરાણીમાં અવ્વલ નંબરે રહેતું તંત્ર સુવિધાઓ આપવામાં છેલ્લી હરોળમાં બેસી જતું હોવાની ચર્ચા વહેતી થઈ છે.