
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી
શહેરના નિકોલમાં થોડા સમય પહેલા એક સરકારી કાર્યક્રમ માટે મ્યુનિ દ્વારા વોર્ડમાં જુદી જુદી જગ્યાએ તાત્કાલિક રોડ બનાવાયા હતા. પરંતુ રોડ બનાવ્યાના થોડાક જ દિવસો થયા છે ત્યાં રવિવારે પડેલા વરસાદમાં ઘણા રોડ ધોવાઈ જતાં બિસમાર બની ગયા છે. જેના પગલે રોડ બનાવામાં મ્યુનિ દ્વારા હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરાયો હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલે તપાસ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા મ્યુનિ કમિશ્નરને રજૂઆત કરાઈ છે.
રોડ બિસમાર મામલે રજૂઆત કરનારા નિકોલના રહીશ અનિસ પટેલે કહ્યું હતું કે, તાજેતરમાં એક કાર્યક્રમ માટે મ્યુનિ દ્વારા રાતોરાત નિકોલ વોર્ડમાં અલગ અલગ જગ્યાએ રોડ બનાવ્યા હતા. પરંતુ હલકી ગુણવત્તાના મટીરિયલ વાપર્યા હોવાના લીધે આ રોડ બિસમાર બની ગયા છે. જેમાં ભક્તિ સર્કલથી નિકોલ પોલીસ સ્ટેશન તરફનો રોડ. ગંગોત્રી સર્કલથી ડી-માર્ટ સુધીનો રોડ, દેવસ્ય સ્કૂલથી ખોડલ ફાર્મ સુધીનો રોડ, અમર જવાન સર્કલથી કઠવાડા જી.આઈ.ડી.સી. નો રસ્તો સાવ બિસમાર બની ગયો છે. ઘણી જગ્યાએ તો રોડ પર ખાડા પડી ગયા છે.