
રામોલ અને રાજસ્થાન પોલીસના સંયુકત ઓપરેશન બાદ મુદ્દામાલ કબજે કરાયો
કૌટુંબિક ભાણિયાએ મામા પાસે રૂપિયા હોવાની ટિપ આપતા અપહરણનું કાવતરું ઘડાયું હતું
વટવામાં રહેતા જમીન દલાલનુ કામ કરતા યુવકનું કારમાં અપહરણ કરી તેની પાસેથી રોકડ અને સોનાચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 53 લાખની લુંટ કરવાની ઘટનામાં રામોલ પોલીસે રાજસ્થાનના કોટા શહેરમાંથી તમામ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં રસપ્રદ બાબત એ છે કે કૌટુંબિક ભાણીયાએ મામાની પાસે રૂપિયા હોવાની ટીપ આપતા અપહરણ અને લુંટનું કાવતરુ ઘડવામાં આવ્યું હતું.
મુળ રાજસ્થાનના અને ઘનપાલેશ્વર સોસાયટીમાં વટવામાં રહેતા અજય સુરેન્દ્રસિંહ રાજપૂત(ઉ.43) જમીન લે વેચનુ કામકાજ કરે છે. ગત મંગળવારે સવારે તેઓ ઘરેથી બાઈક લઈ મેમદપુરા સંતોષીનગર સાઈટ પર જતા હતા ત્યારે કારમાં તેમનુ અપહરણ કર્યું હતુ.
ત્યારબાદ અજય રાજપૂતને તેના ઘરેથી એક કરોડ રૂપિયા મંગાવવાનુ કહ્યું હતુ.આટલી મોટી રકમ પોતાની પાસે નહોવાનુ કહેતા તેને ગડદાપાટુનો માર માર્યો હતો.
ધમકી આપી કોઈ ઓળખીતાને મોકલીને ઘરેથી રૂપિયા મંગાવવાનુ કહ્યુ હતુ. આથી ગભરાઈ ગયેલા અજય રાજપૂતે તેના ઓળખીતા વિજય ભરવાડને અપહરણકારોના કહ્યા મુજબ જમીનની મેટરમાં કેસ થયો હોઈ રૂપિયાની જરૂર છે તેમ કહીને ઘરેથી રૂપિયા અને દાગીના મંગાવ્યા હતા. જેમાં કુલ મળીને રૂ. 52 લાખની લુટ કરીને અજયને પોલીસ ફરિયાદ કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને કારમાંથી નીચે ઉતારી નાસી છુટયા હતા.આ મામલે અજય રાજપૂતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજસ્થાનના કોટા પોલીસની મદદ લઈને તમામ છ આરોપીઓ સંગ્રામસિંહ સિકરવાર, શિવમસિંહ ઉર્ફે કાકુતોમર, અમન અવધેશસિંહ ભદોરીયા, સુરજ સુભાષચંદ્ર ચૌહાણ, અફરોજખાન ઉર્ફે સૈજુ શાહીદખાન અને રૂષિ સેંગરની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે ઋષિ સેંગર, અજય રાજપૂતનો કૌટુંબિક ભાણિયો થાય છે. મામા પાસે મોટી સંખ્યામાં રોકડ રકમ હોવાની માહિતી આપતાં સમગ્ર કાવતરૂ ઘડાયુ હતું.
કેવી રીતે આરોપીઓ પકડાયા
રામોલ પોલીસે કારના નંબર આધારે તપાસ કરતા કાર ભાડાની અને તેમાં જીપીએસ લાગેલુ હોવાની માહિતી મળી હતી. દરમિયાન કારનુ લોકેશન રાજસ્થાનના કોટામાં આવતુ હોઈ કોટા પોલીસને જાણ કરી હતી. કોટા પોલીસે કારનુ લોકેશન આધારે એક બિલ્ડીંગ પાસે કારને શોધી કાઢી ફલેટમાં રેડ કરતા આરોપી પૈકી એક યુવક કુદીને બીજે છુપાઈ ગયો હતો. જો કે અંતે પોલીસે ફલેટને ઘેરાબંધી કરીને તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા અને રામોલ પોલીસને સોંપી દીધા હતા.