ઈનામ જમીન પર ફેંકી દેવાની અદાવત રાખીને મારામારી
પોલીસે છ વ્યકિતઓ સામે ગુનો દાખલ કરી તપાસ આદરી
રામોલમા એક પાર્ટી પ્લોટમાં યોજાયેલા ગરબામાં ઈનામ વિતરણ વખતે ઈનામ જાહેરમાં ફેંકવાની અદાવત રાખી એક વેપારીની ફોર્ચ્યુનર કારના કાચ તોડી નાંખ્યા હતા. આ ઉપરાંત કારનો પીછો કરીને અટકાવી ગડદાપાટુનો માર મારી ચપ્પુ મારી ઈજા પહોચાડી હોવાની ઘટના મામલે વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમા છ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવી છે.
વસ્ત્રાલમાં રહેતા હિરેનભાઈ ભીમાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મેડિકલ સ્ટોર ધરાવે છે જેના પાર્ટનર રોહિતભાઈ જેસવાલ છે. ગુરુવારે નિકોલમાં સેવન સ્ટાર પાર્ટી પ્લોટમાં રંગશેરી ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં તેઓ મિત્રો સાથે ગયા હતા. તે સમયે રોહિતભાઈ પણ આવ્યા હતા. રાતના બે વાગે ઈનામ વિતરણ કરવા માટે રોહિતભાઈને સ્ટેજ પર બોલાવ્યા હતા ત્યારે તેમણે સ્ટેજ પર જઈ ઈનામ જાહેરમા જમીન પર ફેંકી દીધું હતું. આ વાતની અદાવત રાખીને પાર્થ પટેલ તેમજ કાન ભૂતે ભેગા મળી તેમના મિત્ર મુન્નો ઠાકોર, અનિલ ઠાકોર, આકાશ ઠાકોર અને ચિત્તોએ રોહિતભાઈની ફોર્ચ્યુનર કારના કાચ તોડી નાંખ્યા હતા.ત્યારબાદ હિરેનભાઈ અને અન્યો ચા પીવા માટે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પાસે જતા તેમનો મુન્નો અનિલ આકાશ અને ચિત્તોએ પીછો કરીને તેમની કારને આંતરી ડ્રાઈવર સીટ પર બેઠેલા હાર્દીકને માર મારી તેના ડાબા પગે ઘૂંટણે છરીનો ઘા માર્યો હતો.
હાર્દિક નાસી જતા તેમની કાર મુન્ના ઠાકોરે ચલાવી પાર્વતીનગરના નાકા પાસે લઈ જઈ હિરેનભાઈ તથા સાહીલને નીચે ઉતારી ગડદાપાટુનો માર માર્યો હગતો. આ સમયે અનિલે ચપ્પુ કાઢી હિરેનભાઈને પેટના ભાગે સામાન્ય મારી દેતા તેઓ નીચે પડી ગયા હતા, દરમિયાન ચારેએ બંનેને લાકડીઓ મારી હતી. આ સમયે પોલીસની ગાડી આવી જતા ચારે નાસી છુટયા હતા. હિરેનભાઈએ આમામલે રામોલ પોલીસ સ્ટેશનમાં પાર્થ પટેલ. કાનો ભૂત, મુન્નો ઠાકોર અનિલ ઠાકોર અને આકાશ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.