ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ
વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત મંગળવારે બપોરના સમયે અલ્તાફ તેની કેબિન પર બેઠો હતો ત્યારે વટવા ચાર માળીયામાં રહેતો રાજા ઉર્ફે કાળીયો અને અકરમ તથા એક અજાણ્યો માણસ ત્યાં આવ્યા હતા. આ સમયે રાજાએ અલ્તાફને કહ્યું હતુ કે મારા શાહઆલમ ખાતે રહેતા મિત્ર ઈબ્રાહીમ ઉર્ફે કાળીયો જે તારી પાસે મેચના રૂપિયા માંગે છે તે કેમ આપતો નથી. આથી અલ્તાફે ઈબ્રાહીમ મારી પાસે કોઈ રૂપિયા માંગતો નથી તેમ કહેતા રાજા કાળીયો ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો.
દરમિયાન કેબિનમાં પડેલી ઓઈલની બોટલો જેમતેમ ફેંકવા લાગ્યો હતો અને તેણે પેન્ટના ખિસ્સામાંથી દિવાસળી કાઢી આગ ચાંપી દીધી હતી જેના પગલે કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ ઓલવવા જતા અલ્તાફને અકરમ અને તેની સાથેના અજાણ્યા માણસે પકડી રાખ્યો હતો. થોડીવારમાં જ કેબીનમાં આગ વધુ પ્રસરતા બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ બૂઝાવવામાં લાગી ગયા હતા. દરમિયાન રાજા સહિત ત્રણે રીક્ષામાં નાસી ગયા હતા. આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.