જાહેરમાં ફટાકડા ફોડીને આરોપીએ જેલમાંથી છૂટી ગયો હોવાનો વીડિયો વાઈરલ
ગત વર્ષે વટવા વિસ્તારમાં અંગત અદાવતમાં મકાનને આગ ચાંપવાની ગંભીર ઘટના બની હતી. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસે નવાપુરા ગામના રાજા ઉર્ફે બોખો સહિત અન્ય આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. તાજેતરમાં જ રાજા ઉર્ફે બોખો જેલમાંથી બહાર આવતા તેના સાગરીતોએ ફટાકડા ફોડી સ્વાગત કર્યું હોવાનું પણ સોશીયલ મીડીયામાં વીડીયો ફરતો થયો હતો. જોકે, આરોપી જેલમાંથી છૂટતા જ ફરીથી વિસ્તારમાં પોતાની દહેશત સ્થાપિત કરવા સક્રિય થયો હોવાનું સામે આવ્યું છે.
વટવા ગોલ્ડન સિનેમા નજીક પરિવાર સાથે રહેતા 27 વર્ષીય યાકુબભાઈ પટેલ બીબી તળાવ પાસે તેલનો ધંધો કરે છે. રવિવારની રાતે યાકુબ તેના મિત્ર સાથે બીબી તળાવની બાજુમાં આવેલા બાપુના પાનના ગલ્લા પાસે બેઠા હતા. તે દરમિયાન રાજા ઉર્ફે બોખો, ઈમરાન કાલીયા સહિત ત્રણ શખ્સો રિક્ષામાં આવ્યા હતા. જુની અદાવતની દાઝ રાખીને આરોપીઓએ યાકુબને જોતા જ ગાળો બોલી હુમલો કર્યો હતો. લાકડાના ડંડા વડે યાકુબ અને તેના મિત્રોને માર માર્યો હતો તેમજ તેમના વાહનમાં તોડફોડ કરી હતી.
આટલેથી ન અટકતા વિસ્તારમાં ભય ફેલાવવા માટે વટવા પોલીસ સ્ટેશનની નજીક જ રાજા ઉર્ફે બોખો હાથમાં તલવાર લઈને લહેરાવતો ફરતો હોવાની ચર્ચા જાગી હતી. ઘટનાની ગંભીરતા સમજી વટવા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. કરમુરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી. ગંધા પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. જોકે પોલીસને આવતી જોઈ ત્રણેય આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.







