સાણંદને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરાઇ
સાણંદ શહેરમાં નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત સાણંદ માટે બે દિવસમાં અલગ અલગ વિસ્તારમાંથી 31 વેપારીઓ પાસેથી 174 કિ.લો.સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. સાણંદ નગર પાલિકાના સેનિટેશન વિભાગે આ ઝુંબેશ અંતર્ગત સાણંદ બજાર વિસ્તાર તેમજ એપીએમસીમાં આવેલ દુકાનોમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું.
સાણંદ બજાર વિસ્તાર તેમજ ઘોડાગાડી સ્ટેન્ડ તેમજ જી.ઈ.બી. રોડ પરની દુકાનો, રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન, કેટલાક વેપારીઓ તેમની દુકાનોમાં ગુપ્ત રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ કરતા જોવા મળ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને સીલ કરવામાં આવ્યો હતો. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા કુલ 31 વેપારીઓથી કુલ રૂ.19700 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સાથે જ 174 કિલોગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
સાણંદ નગરપાલિકાના સેનિટેશન વિભાગની ટીમે 120 માઈક્રોન કરતાં ઓછા માઈક્રોનનું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. સાણંદ નગરપાલિકાએ વેપારીઓને ભવિષ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા માટે કડક સૂચના આપી હતી. નગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનના ભાગરૂપે આવી કાર્યવાહી ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે.







