બંને પક્ષની સામસામે હુમલો કર્યાની ફરિયાદ
વટવામાં નિગમ સોસાયટીના બે રહીશો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર થયેલા ઝઘડામાં એક વ્યકિતને ધારીયાથી માથામાં ઈજા થઈ હતી. આ મામલે બંને પક્ષોએ વટવા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.
વટવામાં રહેતા ગણપતભાઈ માળીએ નોંધાવેલી ફરિયાદ મુજબ શુક્રવારે રાતના ઘર પાસે પોતાની કારમાં બેઠા હતા. ત્યારે સોસાયટીમાં રહેતા પરેશભાઈ મારવાડીએ ટુ વ્હીલર પર આવી તેમને ગાળો બોલવા લાગતા તેમણે કારનો દરવાજો ખોલીને પરેશભાઈને કેમ ગાળો બોલો છે તેમ કહેતા તેમણે ટુ વ્હીલર ઉપર નાખવા જતા તેમણે પ્લાસ્ટીકનો પાઈપ તેમને મારવા જતા નીચે પડી ગઈ હતી. આ સમયે પરેશભાઈએ પોતાના વાહનમાં રહેલુ ધારીયુ લઈ ઘા કરતા ખસવા જતા તેમને માથામાં ઈજા થઈ હતી.
પરેશભાઈએ ફરિયાદ નોંધાવ્યા મુજબ તેઓ મસાલો ખાવા જતા હતા ત્યારે ગણપતભાઈ માળીએ પોતાની કારમાંથી ઉતરીને ગાળાગાળી કરીને તેમને ગડદાપાટુનો માર મારતા તેઓ બંને વચ્ચે ઝપાઝપી થતા ગણપતભાઈના હાથમાં રહેલુ ધારીયુ વાગતાં માથામાં ઇજા થઇ હતી.







