ભૂતિયા ડોકટર લોકોને દાખલ પણ કરતા હતા, ગરીબોને છેતરી જીવનું જોખમ ઊભું કર્યું હતું
ડિગ્રી નહી હોવા છતાં એલોપથિની સારવાર કરવા બદલ 12 ઊંટવૈદના દવાખાના મ્યુનિએ સીલ કર્યા છે. પૂર્વઝોનમાં 3, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૩ ભૂતિયા ડોક્ટર સામે કાર્યવાહી થઈ હતી. મ્યુનિએ શહેરના તમામ 7 ઝોનમાં ડોકટરોની ડિગ્રી તપાસવાનું અભિયાન શરૂ કર્યું હતું. કેટલાક ભૂતિયા ડોક્ટર તો દર્દીઓને દવાખાનામાં દાખલ કરી સારવાર આપતા હતાં. હેલ્થ વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક ડોક્ટર દર્દીઓને એલોપથિક ઉપચાર કરી ઇન્જેક્શન પણ આપતાં હતા. આવા ભૂતિયા ડોક્ટર લોકોના જીવ સામે જોખમ ઊભું કરે છે. મ્યુનિના હેલ્થ વિભાગને ઊંટવૈદુ કરતાં ડોક્ટરો વિરુદ્ધ ફરિયાદ મળી હતી. 22 ઓગસ્ટે દક્ષિણ ઝોનમાં બે ક્લિનિક સીલ કરાયાં હતાં.
મોટાભાગના ભૂતિયા ડોકટર ઓઢવ, બાપુનગર અને નારોલના હતા. હેલ્થ વિભાગે આર.એસ પાટીલ, શાન્તિ ક્લિનિક, ઓઢવ ક્લિનિક, સ્કિન ક્લિનિક, માનસેવા ક્લિનિક, વારસી ક્લિનિક, જગલ હોલિસ્ટિક. શ્રીરામ ક્લિનિક, શમા ક્લિનિક જેવાં દવાખાનાને સીલ મારી ભૂતિયા ડોકટરો સામે ફરિયાદ નોંધી હતી. આ ડોક્ટરો ગરીબ દર્દીઓને છેતરી ખોટી રીતે ઇલાજ કરતાં હોવાની મ્યુનિને અનેક ફરિયાદ મળતાં એકસાથે અભિયાન હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.