બે લુટારુએ હાથ મચકોડી, ખિસ્સામાંથી રૂ.14 હજાર કાઢી લીધા
ઈસનપુર વિસ્તારમાં ઘોડાસર ચાર રસ્તા પાસે એટીએમમાં રૂપિયા ભરવા જઈ રહેલા એક યુવકને ટુ વ્હીલર પર આવેલા બે અજાણ્યા પુરુષોએ રોકીને આપ કહા રહેતે હો કીસી કે સાથ લડાઈ હુઈ હે કહીને હાથ પકડી મચકોડીને ખિસ્સામાંથી રોકડા રૂપિયા 14 હજારની લુંટ કરી હતી. આ અંગે યુવકે લુંટ કરી નાસી છુટેલા બે પુરુષો સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નારોલમાં સ્વામીનારાયણ પાર્ક-1 માં રહેતા અને નારોલમાં લોજીસ્ટીક કંપનીમાં ડેટા એન્ટ્રીનુ કામકાજ કરતા અમરદિપ કદારનાથ તિવારી(ઉ.27) મંગળવારે સાંજના પોણા પાંચ વાગ્યાની આસપાસ તેમની ઓફિસેથી કંપનીના રૂપિયા 14 હજાર ઘોડાસર ચાર રસ્તા પાસે આવેલી આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ મશીનમાં ભરવા માટેનારોલથી ઘોડાસર તરફ સર્વિસ રોડ પર ચાલતા જતા હતા.
દરમિયાન શકિત પાર્ટી પ્લોટ પાસે પહોચતા પાછળથી એક ટુ વ્હીલર પર બે અજાણ્યા 40 થી 45 વર્ષના આશરાના પુરુષોએ તેમની પાસે વાહન ઉભુ રાખ્યુ હતુ. જેમાં એક પુરુષ અમરદિપ ને કહેવા લાગ્યો હતો કે આપ કહા રહેતે હો આપ કી કિસી કે સાથ લડાઈ હુઈ હે.
આ સાંભળીને અમરદિપ કશુ સમજે તે પહેલા અજાણ્યા પુરુષે તેનો જમણો હાથ પકડીને જોરથી મચડયો હતો. ત્યારબાદ વાહન ચલાવનાર પુરુષે અમરદિપને કમરમાંથી પકડીને ઉચો નીચો કરવા લાગ્યો હતો અને તેની પેન્ટના ખિસ્સામાં મુકેલા રૂ. 14 હજાર બળજબરીથી લુંટી લીધા હતા. આ સમયે અમરદિપએ બૂમાબૂમ કરતા બંને પુરુષો ટુ વ્હીલર પર બેસીને નાસી છુટયા હતા. આ અંગે અમરદિપે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા પુરુષો સામે લુંટની ફરિયાદ નોધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવીને લુંટારુઓનુ પગેરુ દબાવવાની તજવીજ હાથ ધરી છે.