હુમલો કરવા પાછળ જવાબદાર કારણ અકબંધ
શાહીબાગમાં 19 વર્ષીય યુવકને તેના પિતરાઈ ભાઈએ મળવા માટે બહાર બોલાવીને છરીથી હુમલો કરી છાતીના ભાગે એક ઘા ઝીંકી દીધો હતો. આ અંગે યુવકે પિતરાઈ સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શાહીબાગ ઠાકોરવાસમાં રહેતો પીયૂષ દિનેશભાઈ ઠાકોર (ઉ.19) પાલડીમાં એક શોરૂમમાં નોકરી કરીને પરિવારને મદદરૂપ થાય છે. સોમવારે રાતના 11 વાગે તેના કાકાના દિકરા ધ્રુવ ઉર્ફે ગટ્ટુ રાજેશભાઈએ તેના ફોન પર ફોન કરીને તેના કહ્યું હતું કે તારો મિત્ર મિહિર તને બહાર બોલાવે છે. આથી પીયૂષ ઘરેથી બહાર નીકળીને અસારવા ચકલા પાસે આવ્યો ત્યારે તેનો પિતરાઈ ધ્રુવ ત્યાં હાજર હતો.
આ સમયે પિયુષે તેને મિહિર કયા છે કયાંય દેખાતો નથી તેમ કહ્યું હતુ. જો કે આ દરમિયાન ધ્રુવે અચાનક પીયૂષનુ ગળુ પકડી તેની પાસેની છરીથી એક ઘા છાતીમાં મારી દીધો હતો.. બીજો ઘા મારવા જતા પીયૂષના મિત્રએ તેને પાછળથી ખેંચી લીધો હતો.
આ સમયે આસપાસના લોકો દોડી આવ્યા હતા દરમિયાન ધ્રુવ ત્યાંથી નાસી છૂટયો હતો. ત્યારબાદ પીયૂષને લોહી નીકળતુ હોઈ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જયાંથી પોલીસને જાણ કરી હતી. આ અંગે પીયૂષ ઠાકોરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં તેના પિતરાઈ ધ્રુવ ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે. હજુ સુધી આ ઘટના કેમ બની તે અંગે કોઈ માહિતી મળી નથી.