મહિલાને બેભાન નિર્વસ્ત્ર કરી ફોટા-વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરી
ડૉક્ટરે મહિલા પાસેથી રૂ.4 લાખ અને દાગીના પડાવ્યા હતા
નારોલમાં ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર સામે એક મહિલા દર્દીએ ચક્કર આવતા હોઈ તેને ગ્લુકોઝની બોટલમાં ઘેનની દવાનું ઈન્જેકશન આપીને તેને બેભાન કરી નિર્વસ્ત્ર કરીને ફોટો તેમજ વીડીયો ઉતારી બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત મહિલાએ તેના ફોટો વીડીયો વાયરલ કરવાની ધમકી આપીને ડૉક્ટરે રૂપિયા 4 લાખ અને દાગીના પણ પડાવી લીધા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે. પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર નારોલ વિસ્તારમાં
રહેતી 35 વર્ષીય મહિલાને ડાયાબીટીસ અને ચામડીનો રોગ હોઈ ફિઝીયોથેરાપીસ્ટ ડૉક્ટર પાસે સારવાર માટે ગઈ હતી. શરૂઆતમાં સારી રીતે વર્તીને ડૉક્ટરે મહિલાની સાથે વાતચીત શરૂ કરતા મહિલાને તેની પર વિશ્વાસ બેસતા તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. દરમિયાન ગત વર્ષે મે મહિનામાં મહિલા ડૉક્ટરની પાસે ગઈ હતી.
ત્યારે તેની તબિયત લથડી હતી અને અચાનક ચકકર આવતા હોવાનુ લાગતા ડૉક્ટરે તેને બાટલો ચડાવવાથી સારુંથઈ જશે તેમ કહ્યું હતુ. ત્યારબાદ ડૉક્ટરે મહિલાને સિરીંજ મારફતે ગ્લુકોઝની બોટલ ચડાવવાનુ કામ શરૂ કર્યું હતું અને મહિલાની જાણ બહાર ઘેનની દવાનું ઈન્જેકશન ગ્લુકોઝમાં મિકસ કરી દીધુ હતું. આ સ્થિતિમાં મહિલા બેભાન અવસ્થામાં જતી રહી હતી. જેનો લાભ લઈને ડૉક્ટરે મહિલાને નિર્વસ્ત્ર કરી તેના ફોટા પાડયા હતા અને વીડિયો ઉતારી લીધો હતો.
ડોક્ટરે મહિલાને આ ફોટા વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને મહિલાની સાથે શરીરસબંધ બાંધ્યો હતો. થોડા સમય પહેલા ડોક્ટરે મહિલાને ધમકી આપી તેની પાસેથી ટુકડે ટુકડે રૂ. 4 લાખ અને દાગીના પડાવી લીધા હતા. ડૉક્ટરના બ્લેકમેઈલિંગથી કંટાળી ગયેલી મહિલાએ આ અંગે ડૉક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.