બૂમાબૂમ થતાં લોકોએ હુમલાખોરોને પકડી લીધા
નારોલમાં સ્ટીલ કંપનીમાં નોકરી કરતો યુવક ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે બે વ્યકિતઓએ આવીને તે મને ગાળ કેમ આપી તેમ કહીને છરીથી હુમલો કરતા યુવકને પીઠાના ભાગે તેમજ હાથે ઈજા થઈ હતી. જો કે યુવકે હુમલો કરનારા બંને યુવકોને ઝડપીને પોલીસને સોંપી દીધા હતા. મુળ ઝારખંડના રીઝવાન સમસુદ્દીન અન્સારી(ઉ.32)હાલમાં એક વર્ષથી કમોડ ગામમાં બહેન બનેવી સાથે રહે છે અને સ્ટીલના કારખાનામાં હેલ્પર તરીકે નોકરી કરે છે.
ગત તા 4 ના રોજ રાતના સવા દસ વાગે નોકરી પરથી છુટીને એકલો ચાલતો ઘર તરફ આવી રહ્યો હતો. આ સમયે કર્ણાવતી રેસ્ટોરન્ટ પાસે પહોચતા સામેથી ચાલતા આવતા બે ઈસમો પૈકી એકે તે મને ગાળ કેમ આપી તેમ કહીને ઝઘડો કર્યો હતો. જેમાં એક ઈસમે રીઝવાનને પકડી રાખ્યો હતો જયારે બીજાએ પોતાની પાસેનો છરો કાઢી હુમલો કરતા રીઝવાન પોતાનો હાથ આડો કરતા તેને ડાબા હાથે ઈજા થઈ હતી.જયારે બીજો ઘા કરતા તેને પીઠના ભાગે ઈજા થઈ હતી.આ સમયે તેણે બૂમાબૂમ કરતા કંપનીના માણસો ભેગા થઈ ગયા હતા અને હુમલો કરનારા બંનેને પકડી લીધા હતા. આ અંગે પોલીસને જાણ કરતા નારોલ પોલીસે હુમલો કરનારા પરેશ લાલજીભાઈ તડવી અને આદિત્ય શંકરલાલ સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી રીઝવાનને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.