વારંવાર હાઈકોર્ટની આકરી ટકોર છતાં STPમાં સ્થિતિ હજુ ઠેરની ઠેર છે
સાબરમતી નદીમાં ટ્રીટ કરીને પાણી છોડવાને બદલે દૂષિત પાણી છોડનાર 12 કોન્ટ્રાક્ટરે મ્યુનિ.એ છેલ્લા 5 વર્ષમાં 3.79 કરોડનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે પણ નદીમાં પ્રદૂષણ મુદ્દે મ્યુનિ.ને વારંવાર ફટકાર લગાવી છે.
મ્યુનિ. વિરોધપક્ષના ઉપનેતા નિરવ બક્ષીએ કહ્યું કે, મ્યુનિ.પાસેથી માગેલી માહિતીમાં આ ચોંકાવનારી વિગતો મળી છે. મ્યુનિ.એ વિવિધ કોન્ટ્રાક્ટરને એસટીપી પ્લાન્ટ ચલાવવા માટે મહિને 5 લાખથી લઈને 16 લાખ સુધીની રકમ ચૂકવવામાં આવે છે. શહેરના એસટીપી સ્ટેશનમાંથી મોટા પ્રમાણમાં ગટરના અશુદ્ધ પાણી કે પછી કેટલીક વખત કેમિકલયુક્ત પાણી સીધું નદીમાં છોડવામાં આવે છે. રોજ બરોજ નદીમાં છોડવામાં આવતાં પાણીનો મ્યુનિ. દ્વારા લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે
જોકે તેમાં જોવા મળતાં બીઓડી (બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ) એટલે કે પાણીમાં ઓક્સિજનની હાજરી, તેમજ સીઓડી (કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ) એટલેકે પાણીમાં ઓક્સિજનની દ્રાવ્યતા જેવા બાબતો મહત્વની હોય છે. જોકે આ મામલે અનેક વખત ટેસ્ટમાં નેગેટિવ જોવા મળે છે. જોકે તેમ છતાં આ કોન્ટ્રાક્ટર દ્વારા સતત કેમિકલ યુક્ત કે ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે.