પુસ્તકો થકી બાળકોમાં વાંચન અને લેખનની સ્કિલ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે
બાળકોની સાથે તેમના વાલીઓને પણ પુસ્તકો વાંચવા માટે માર્ગદર્શન આપવાનું આયોજન
શહેરમાં રસ્તા પર ભીક્ષાવૃત્તિ કરતા બાળકો શિક્ષણથી વંચિત ના રહે તેના માટે મ્યુનિ કોર્પોરેશન દ્વારા માર્ચ 2022માં સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટની શરૂઆત કરાઈ છે. જેમાં હાલમાં 154 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. નવા શૈક્ષણિક સત્રથી સિગ્નલ સ્કૂલમાં બાળકો માટે પુસ્તક પરબ શરૂ કરાશે. જેમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ પુસ્તકો વાંચવા માટે પ્રેરાય માટે જરૂરી માર્ગદર્શન અપાશે.
આ અંગે સ્કૂલ બોર્ડના જણાવ્યા મુજબ મ્યુનિ.દ્વારા સિગ્નલ સ્કૂલ શરૂ કરાયાને 3 વર્ષ થયા છે. હવે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓના હિતમાં પુસ્તક પરબ શરૂ કરવાનું આયોજન કરાયું છે. નવા સત્રથી દરેક સિગ્નલ સ્કૂલ બસમાં બાળકોનેરસ પડે તેવી નાની-નાની પુસ્તિકાઓ ચિત્ર સ્વરૂપે, વાર્તા સ્વરૂપે. લઘુ નવલકથા, લોકગીતો, જોડકણાં, કાવ્યો અને અન્ય રસપ્રદ સાહિત્ય કે જે બાળકોને અભ્યાસમાં પૂરક બને અને વાંચન-લેખન અનેગણન સ્કિલમાં વધારો થાય તેવા બાળ ઉપયોગી પુસ્તકો જરૂરી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે મોટીવેશનલ પુસ્તકો તેમજ મહાન વિભૂતિઓના જીવન કવન પર પ્રકાશ પાંડતા પુસ્તકો સહિત 50 થી વધુ પુસ્તકો મુકાશે. પુસ્તક વાચ્યાં બાદ વિદ્યાર્થીઓને પુસ્તકનો સાર પ્રાર્થના સભામાં સ્પીચ રૂપે અને લેખન રૂપે શિક્ષકને આપવાનો રહેશે. જેના લીધે વિદ્યાર્થીને પુસ્તક વાંચન બાદ બોલવા અને લખવાની મૌલિક શક્તિઓ ખીલશે. તેમાં વાલીઓ પણ જોડાય તેવું આયોજન થશે.
મોટેરામાં બે નવી સિગ્નલ સ્કૂલ બસ મુકાશે
મ્યુનિ દ્વારા હાલમાં 12 સિગ્નલ સ્કૂલ બસમાં કુલ 154 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. હવે મોટેરાના ક્રિકેટ સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પણ નવા શૈક્ષણિક સત્રથી નવી બે સિગ્નલ સ્કૂલ માટે બે નવી બસ મુકાશે. જેમાં કુલ 44 જેટલા બાળકો અભ્યાસ કરશે. એટલે નવા સત્રથી સિગ્નલ સ્કૂલ બસની સંખ્યા 14 અને વિદ્યાર્થીઓની સંખ્યા 198 જેટલી થશે. નવી બે બસ મુકવા માટે સત્તાધિશો તરફથી મંજૂરી પણ મળી ગઈ છે