કૃષ્ણનગરમાં વેપારીએ 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા
કૃષ્ણનગરમાં રહેતા જમીન વેચનો વ્યવ્સાય કરતા યુવકે તેમના પિતાની સારવાર અને મોટીબહેનના લગ્ન પ્રસંગ માટે રૂપિયાની જરૂર હોઈ વ્યાજખોર પાસેથી 10 ટકાના દરે રૂ સાત લાખ 2015માં લીધા હતા. જેની સામે રૂ. 45 લાખ જેટલુ વ્યાજ ચુકવવા છતાં હજુ વ્યાજખોરે વધુ રૂપિયા ની માંગણી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા અંતે વેપારીએ આ મામલે કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કૃષ્ણનગરમાં રહેતા કિર્તનભાઈ પટેલ જમીન લેવેચ તેમજ રેતી કપચીનો ધંધો કરે છે. આજથી 10 વર્ષ પહેલા તેમના પિતાને અવારનવાર શારિરીક તકલીફના લીધે મોટા ઓપરેશન કરાવ્યા હતા જેના લીધે બચતની રકમ વપરાઈ ગઈ હતી તેમજ મોટી બહેનના લગ્ન કરવાના હોઈ ગત જુલાઈ 2015માં તેમણે એક મિત્રને વાત કરતા તેણે બળદેવભાઈ અને અમરતભાઈ દેસાઈ વ્યાજે રૂપિયા આપતા હોવાનુ કહીને ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ બંને મિત્રો પાલડીમાં આવેલી બળદેવભાઈની ઓફિસે ગયા હતા જયાં રૂ. સાત લાખ વ્યાજે માંગતા તેમને સાત લાખનુ દરમહિને 10 ટકા વ્યાજ માંગી કોરા ચેક પર સહી લઈ રૂ. 6.30 લાખ વ્યાજ કાપીને આપ્યા હતા.
ત્યારબાદથી કિર્તનભાઈ દરમહિને વ્યાજપેટે રૂ. 70 હજાર બળદેવભાઈને આપતા હતા. અત્યારસુધીમાં તેમને ટુકડે ટુકડે કરીને આશરે રૂ.45 લાખ જેટલી રકમ આપવા છતાં વધુ રૂપિયાની માંગણી કરવામા આવતી હતી. છેલ્લા છ મહિનાથી વ્યાજ આપવામાં મોડુ થાય ત્યારે બળદેવભાઈ ફોન પર ગાળો બોલતા હતા. દરમિયાન ગત તા 21 મીએ રાતના પોણા અગિયાર વાગે બળદેવભાઈએ કિર્તનભાઈને ફોન કરીને કહ્યુ હતુ કે મારા રૂપિયા પરત આપી દેજે નહી તો જાનથી મારી નાખીશ. આ અંગે કિર્તનભાઈએ બળદેવભાઈ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.