50 હજારની લોનના ચાર્જ પેટે 17 હજાર ભરાવ્યા
નારોલમાં ફેસબુક પર ઓનલાઈન લોન આપવાની જાહેરાત જોઈને એક વેપારીએ રૂ 50 હજારની લોન લેવા માટે કલીક કરતા તેમના પર અજાણ્યા વ્યકિતએ ફોન કરીને લોન આપવાની વાત કરી હતી. ત્યારબાદ લોનના અલગ અલગ ચાર્જ પેટે કુલ રૂપિયા 17772 ભરાવીને છેતરપીંડી આચરી હતી. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં વેપારીએ ફરિયાદ નોધાવી છે.
નારોલમાં રહેતા નીલેશભાઈ ભરવાડ જેસીબી ચલાવી ધંધો કરે છે. ગત 30 જુલાઇએ તેઓ ફેસબુક જોતા હતા તેમાં એક જાહેરાત જોઈ હતી તેમાં ઓનલાઈન લોનો ચાલુ હશે તો તેને ક્લોઝ કરીને મોટી લોન કરી આપવામાં આવશે અને બીજી 40 એપ્લીકેશનમાં આ પ્રકારનું પેજ જોયુ હતુ.
જેથી નીલેશભાઈએ કોમેન્ટમાં નંબર લખતા અજાણ્યા ગઠિયાનો ફોન આવ્યો અને લોન આપવા અંગે વાત કરી હતી. બાદમાં ગઠિયાઓએ રૂ. 50 હજારની લોન કરાવી આપવાનું કહીને અલગ-અલગ ચાર્જ પેટે કુલ રૂ. 17 હજાર પડાવી લીધા હતા. તેમજ વધુ રૂપિયાની માંગણી કરતા ઠગાઈની જાણ થઈ હતી. આ અંગે નીલેશભાઈએ અજાણ્યા ગઠિયા સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
નોંધનીય છે કે સાઇબર ઠગાઇ કરતાં ગઠિયા લોકોને તેમની જાળમાં ફસાવવા માટે નીત નવા પેતરા અજમાવતાં હોય છે. એટલે પોલીસ દ્વારા ઓનલાઈન લોન લેવામાં સાવચેતી રાખવા કહેવાય છે.