પોલીસે નાના ચિલોડા પાસે વોચ ગોઠવી રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી
કારમાં રાજસ્થાનથી ગુજરાતની નંબર પ્લેટ લગાવીને પોલીસની આંખમાં ધૂળ નાંખી વિદેશીદારૂ અને બિયરનો જથ્થો શહેરમાં ઘુસાડવાનો પ્રયાસ કરનારા બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી દારૂની 742 બોટલ અને બિયરના 288 ટીન ઝડપી પાડી કુલ રૂ.10 લાખની વધુનો મુદામાલ કબજે કર્યો હતો.આ દારૂ બિચરનો જથ્થો કુબેરનગરના એક બુટલેગરે મંગાવ્યો હોવાની પ્રાથમિકમાહિતી બહાર આવતા પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
નરોડા પીઆઈ પી વી ગોહિલને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ક્રેટા કાર દારૂનો જથ્થો લઈ મોટાચિલોડાથી શહેરમાં પ્રવેશ કરવાની છે. બાતમીના આધારે પોલીસટીમે વોચ ગોઠવી હતી જેમાં શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને કોર્ડન કરીને રોકી હતી. ત્યારબાદ કારમાં તપાસ કરતા ગાડીમાં થી વિદેશી દારુની બોટલ નંગ-742 અને બિયરના 288 ટીન મળી આવ્યા હતા.
પોલીસે આ મામલે પ્રવીણકુમાર ધરમચંદ માવાજી (31,રહે. ડુંગરપુર રાજસ્થાન) અને પુંજીલાલ ફુલાજી ભગોરા (42, રહે. રાજસ્થાન ડુંગરપુર) બંને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસને કારમાંથી રાજસ્થાન આરટીઓની બે નંબર પ્લેટ મળી આવી હતી જયારે કાર પર ગુજરાત આરટીઓની નંબર પ્લેટ લગાવેલી હતી.
તપાસ દરમિયાન આ મામલે આરોપીઓની પૂછપરછ કરતા હકીકત જાણવા મળી છે કે પોલીસને ગેરમાર્ગે દોરવા સારું આરોપીઓ બનાવટી નંબર પ્લેટ લગાડતા હતા. જેથી કરીને રાજસ્થાનમાં પોલીસને ચકમો આપી શકે અને સરળતાથી ગુજરાતના અમદાવાદમાં દારૂની ડીલીવરી આપી શકે તે માટે થઈને આ કીમિયો અજમાવ્યો હતો. આરોપીએ રાહુલ ચંદરલાલ ખખરાણી( રહે કુબેરનગર)ને દારૂ બિયરનો જથ્થો આપવાનો હતો તેવી કબુલાત કરી હતી.