વટવામાં બે વ્યક્તિઓ વચ્ચે થયેલા ઝઘડામાં સમાધાન કરાવનાર યુવકને મારી પાસે કેમ માફી મંગાવી કહીને દંડાથી માર મારીને ફ્રેકચર કરી દીધુ હતુ. આ અંગે વટવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
વટવામાં ચાર માળીયામાં રહેતા મોહંમદ આફતાબ કુરેશી ભદ્ર બજારમાં નોકરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. વીસેક દિવસ પહેલા તેમના બ્લોકમાં રહેતા ફૈયાઝ ઉર્ફે ટકકરને તેમની માસીના દિકરા રીઝવાન સાથે ઝઘડો થયો હતો. જેથી તે દિવસે આફતાબે ફૈયાઝ અને રીઝવાન બંનેને બેસાડીને એકબીજાની માફી મંગાવીને બંને વચ્ચે સમાધાન કરાવી દીધુ હતુ.
દરમિયાન બુધવારે રાતના અઢી વાગે આફતાબ કુરેશી દુધ લેવા માટે ગયા હતા. દુધ લઈને ઘરે પાછા ફરતા ફૈયાઝ ઉર્ફે ટકકર પોતાના હાથમાં દંડો લઈને આવ્યો હતો અને તે કેમ તારી માસીના દિકરા રીઝવાન પાસે મને માફી મંગાવી હતી તેમ કહીને ઉશ્કેરાઈ જઈને ગાળો બોલીને દંડાથી માર માર્યો હતો. જેથી બૂમાબૂમ થતા આસપાસના લોકોએ આવીને તેમને વધુ માર મારવાથી બચાવ્યા હતા. ત્યારબાદ આફતાબને એલ જી હોસ્પિટલ માં લઈ જતા તેમને ડાબા હાથે કાંડાના ભાગે ફ્રેકચર તથા જમણા પગમાં ઈજા થયાનુ જણાવ્યુ હતુ.