બુલેટનો માલિક આવી જતા યુવક બચવા માટે નાસી ગયો
ઈસનપુરમાં મોડીરાતે જમવાનુ લેવા માટે નીકળેલા બે મિત્રના વાહનમાં પેટ્રોલ ખલાસ થઈ જતા નજીક પાર્ક કરેલા બુલેટમાંથી પેટ્રોલ કાઢવા જતા માલિક આવી જતા બંને નાસી છુટયા હતા. જો કે આ સમયે એક યુવક બેભાન થઈ ઢળી પડયો હતો. જેનુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજયુ હતુ. આ મામલે રામોલ પોલીસે અસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
રામોલમાં શાલીમારની ચાલીમા રહેતા મુનાવરઅલી સૈયદ(ઉ.19) બુધવારે રાતે જમીને ચાલીમાં આંટા મારતો હતો. ત્યારે તેનો મિત્ર શાહરૂખ ટુ વ્હીલર લઈને આવ્યો હતો અને ચાલ જમવાનુ લઈને આવીએ તેમ કહીને તેને સાથે લઈ
ગયો હતો. રામોલ તલાવડીની આસપાસ કયાય જમવાનુ નહીં મળતા બંને શાહઆલમ જમવાનુ લેવા માટે ગયા હતા. જમવાનું પાર્સલ લઈને બંને ઘરે આવવા માટે નીકળ્યા હતા.
જો કે આવકાર હોલની નજીક આવતા શાહરૂખના વાહનમાં પેટ્રોલ ખલાસ થઈ ગયુ હતુ.આ સમયે શાહરૂખે રસ્તા પર પડેલી ખાલી બોટલ શોધીને નજીકમાં પાર્ક કરેલા બુલેટમાંથી પેટ્રોલ કાઢવા લાગ્યો હતો. આ દરમિયાન મુનાવરઅલી કોઈ આવી જાય નહી તેનુ ધ્યાન રાખતો હતો. થોડુંઘણુ પેટ્રોલ બોટલમાં ભરાયુ ત્યાં તો બુલેટના માલિક અને અન્ય શખ્સ આવી ચઢ્યા અને મુનાવર પેટ્રોલની ચોરી કરતા રંગેહાથ ઝડપાઈ જતા બુલેટના માલિકે પેટ્રોલ ચોરી કરી
રહેલા શાહરુખને પકડીને કેમ પેટ્રોલ ચોરી કરે છે. કહીને બેથી ત્રણ લાફી ઝીંકી દીધા હતા. આ જોઈને ગભરાઈ ગયેલો મુનાવરઅલી નાસી ગયો હતો અને બીજીતરફ જીવ બચાવવા સારુ શાહરુખ પણ રોડની રેલીંગ કુદીને બીજી બાજુ રહેલી ટ્રાફિકની ચોકી પાસે ભાગવા લાગ્યો હતો.
ચોકીએ પહોંચતાની સાથે શાહરૂખ ચક્કર ખાઈને જમીન પર પટકાઈ પડયો હતો. થોડીવાર બાદ શાહરૂખનો મિત્ર મુનાવરઅલી પણ ત્યાં આવી ચઢયો ત્યારે શાહરૂખ બેભાન અવસ્થામાં જમીન પર પડેલો હતો.
ત્યારબાદ સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડાતા હોસ્પિટલના હાજર ડોક્ટરોએ શાહરૂખને મૃત જાહેર કર્યો હતો.