પોલીસે બે ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરતા ભાંડો ફુટયો
ડીસીપી ઝોન-5 એલસીબી સ્કોવડે. ઓઢવ વિસ્તારમાં થી બાતમીના આધારે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી વોન્ટેડ રીઢા આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ થતા તપાસમાં સામે આવ્યું છે સોલા અને સાંતેજ પોલીસ સ્ટેશનમાં પાંચ મહિના અગાઉ ચોરીનો ગુનો આચર્યો હતો. આ સહીત આરોપીનો ગુનાઈત ઈતિહાસ તપાસતા હકીકત સામે આવી કે આરોપી વિરુદ્ધ વર્ષ 2016થી અત્યારસુધીમાં કુલ 16 જેટલા ચોરીના ગુના શહેરના મોટાભાગના પોલીસ મથકોમાં નોંધાઈ ચુક્યા છે. છેલ્લા નવ વર્ષથી વાહન ચોરી અને ઘરફોડ ચોરીના 16 જેટલા ગુનાને અંજામ આપી ચુકનાર રીઢો આરોપી પાંચેક મહિનાથી સોલા પોલીસ સ્ટેશન અને સાંતેજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં પોલીસ સાથે સંતાકૂકડી રમતો હતો.
ઝોન-5 એલસીબી સ્કવોડના પીએસઆઈ કે.કે. જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી, કે ઓઢવ મનમોહન ચાર રસ્તા પાસેથી ચોરીના ગુનામાં પાંચ મહિનાથી ફરાર રહેલો આરોપી નીકળવાનો છે. બાતમીના આધારે પોલીસે આરોપી અલ્કેશ ઉર્ફે નાનીયો પટણી (ઉ.22 રહે, મંગલ પાંડે હોલ નિકોલ)ની ધરપકડ કરી છે. સોલા અને સાંતેજ પોલીસના વણ ઉકેલાયેલા બે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. વધુમાં આરોપી વિરુદ્ધ શહેરના નિકોલ, ઓઢવ,શાહીબાગ, કૃષ્ણનગર, ખોખરા, બાપુનગર, મેઘાણીનગર તથા સરખેજ પોલીસ સ્ટેશનમાં અત્યારસુધીમાં 16 જેટલા ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.