14 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો સામે કાર્યવાહી
અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માત નિવારવા અને ટ્રાફિક નિયમોનો અમલ કરાવવા ટ્રાફિક પોલીસે ડ્રાઇવ આદરી છે. જેમાં શહેરના 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં શુક્રવારે હાથ ધરેલ ડ્રાઇવમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા 1755 વાહનચાલકોને પકડીને દંડ પેટે રૂ.29.45 લાખ વસૂલ્યા હતા.
શહેર ટ્રાફિકના સંયુક્ત પોલીસ કમિશનર એન.એન.ચૌધરી અનુસાર, 17 જુલાઈ શુક્રવારે શહેરભરમાં રોંગ સાઈડે વાહન ચલાવતા લોકોને પકડવાની ડ્રાઈવ યોજાઇ હતી. જેમાં ટ્રાફિક પોલીસે તમામ સ્થળે ડ્રાઈવ યોજી રોંગ સાઈડે વાહન હંકારતા 1755 લોકોને પકડી. તેમને રોંગ સાઇડે વાહન નહી હંકારવા અને ટ્રાફિક નિયમ પાલનની સમજ આપી હતી. રોંગ સાઈડે આવતા વાહન ચાલકો પાસે રૂ.29.45 લાખ દંડ વસૂલ્યો હતો. એ ટ્રાફિક પોલીસ સ્ટેશને જજીસ બંગલોથી પકવાન ચારરસ્તા સુધી નો પાર્કિંગ અને રોંગ સાઈડની ડ્રાઈવ યોજી હતી. જેમાં 156 વાહન ચાલકો રોંગ સાઈડે આવતા તેમની
પાસેથી ટ્રાફિકના નિયમ ભંગ બદલ રૂ.2.53 લાખ દંડ વસૂલ્યો હતો. એ રીતે બી ટ્રાફિક પોલીસે 264 વાહન ચાલકો પાસેથી રૂ.4.17 લાખ દંડ વસૂલ્યો હતો. એસજી હાઇવે સરખેજથી માંડી વૈષ્ણોદેવી સર્કલ તેમજ બોપલમાં રોંગ સાઈડે વાહન હંકારતા 338 લોકોને દંડ ફટકારી રૂ.3.21 લાખ વસૂલ્યા હતા. સૌથી ઓછા એફ ટ્રાફિક પોલીસે કરેલા કેસમાં ટ્રાફિક નિયમનો ભંગ બદલ 45 કેસ કરી રૂ.67.50 હજાર દંડ વસૂલ્યો હતો. બી ટ્રાફિક પોલીસે ઈન્કમટેક્સ પાસેની ડ્રાઇવમાં 264 કેસ કરી રૂ.4.17 લાખ વસૂલ્યો હતો.
શહેર ટ્રાફિક પોલીસે 21 જૂનથી 15 જુલાઈ 2025 દરમિયાન રોંગ સાઈડ ડ્રાઈવ યોજી 6683 કેસ કરી ટ્રાફિક નિયમના ભંગ બદલ રૂ.1.22 કરોડ દંડ વસૂલ્યો હતો.