ભુવનેશ્વરમાં પોલીસે ધરપકડ કરતા વટવા પોલીસે વોન્ટેડ આરોપીનો કબજો લીધો
મૂળ ઉતરપ્રદેશનો વતની અને હાલ વટવા વિસ્તારમાં રહેતા અભિષેક રાજપૂતે વર્ષ ૨૦૧૭થી ગુનાની દુનિયમાં પગપેસારો કર્યો અને એક બાદ એક કુલ 12 ગુનાને અંજામ આપી ચુક્યો હતો. ડઝન ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીનું હૃદયમાં ભગવાન વસ્યા અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાની શરુઆત કરી દીધી હતી.
તમામ જ્યોતિર્લિંગના દર્શન પુરા થઈ ગયા અને ઓડીસાના ભુવેશ્વરમાં હતો ત્યાં આર્મ્સ એક્ટના ગુનામાં એરપોર્ટ પોલીસે અભિષેક રાજપૂતની ધરપકડ કરી હતી. બીજી બાજુ વટવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021થી 2024 સુધીમાં લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપીને ત્રણ વર્ષથી વોન્ટેડ હોવાના લીધે વટવા પોલીસ પણ આરોપીની શોધખોળ હાથધરી રહી હતી.
આ દરમિયાન આરોપીની ધરપકડ ઓડીસા જિલ્લામાં થઈ હોવાનું જાણવા મળતા જ વટવા પોલીસની એક ટીમ ઓડીસામાં ભુવનેશ્વરમાં આવેલા એરપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપીનો કબજો મેળવ્યો હતો. મહત્વનું છે કે પોલીસ આરોપીની કડકાઈથી પૂછપરછ કરે તેની પહેલા જ કબુલાત કરી લીધી કે અગાઉ તેણે 12 જેટલા ગંભીર ગુનાઓ શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં આચરી ચુક્યો છે.
સાથે જ આરોપીએ જણાવ્યું હતું કે 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તેના હૃદયમાં પરિવર્તન આવ્યું અને ગુનાખોરીની દુનિયાને અલવિદા કહી દેવાનું નક્કી કરી લીધું છે. ત્યારે હાલ વટવા પોલીસે આરોપી અભિષેકની ધરપકડ કરીને ત્રણ વણ ઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી પોલીસે આરોપી વિરુદ્ધ અન્ય કેટલા ગુના નોંધાયા છે તે અંગે વધુ તપાસ આદરી છે.