વરસાદી પાણી ભરાઈ રહેતાં હોવાથી તે વ્યર્થ જાય છે, કૂવાના લીધે વરસાદી પાણી જમીનમાં ઉતરશે
કૂવાના લીધે આસપાસના વિસ્તારના વૃક્ષોને પણ પાણી મળે રહેતું હોવાથી પર્યાવરણનું જતન થાય
દિવસેને દિવસે જમીનમાં પાણીમાં સ્તર ઉડું જઈ રહ્યું છે, ત્યારે પાણીના સ્તર ઊંચે લાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસ અંતર્ગત ખંભાતી કૂવા બનાવવાનું આયોજન કરાયું છે. જેમાં પૂર્વ વિસ્તારના ઉત્તર ઝોનના 8 વોર્ડમાં રૂ.1 કરોડના ખર્ચે ખંભાતી કૂવા બનાવવાનું આયોજન કરાયું છે. દર ચોમાસામાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેસાન થઈ જતાં હોય છે.
ત્યારે આવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉકેલવા અને વ્યર્થ જતાં પાણીનો સદઉપયોગ કરવા તથા જમીનમાં પાણીનું સ્તર ઊંચુ લાવવા માટે ખંભાતી કૂવા ખૂબ જ ઉપયોગી રહે છે.આ અંગે મ્યુનિ.ના જણાવ્યા મુજબ, સરદારનગર, નરોડા, સૈજપુર કુબેરનગર વોર્ડમાં જુદી જુદી જગ્યાએ વરસાદી પાણીને ભૂર્ગભમાં ઉતારવા માટે નવા ખંભાતી કૂવાબનાવવાનાં કામ માટે રૂ.50 લાખના ખર્ચ કરવામાં આવશે. તેવી જ રીતે સરસપુર-રખિયાલ. બાપુનગર. ઠક્કરબાપાનગર, ઈન્ડિયા કોલોની વોર્ડમાં વિવિધ જગ્યાએ વરસાદી પાણીને ભુર્ગભમાં ઉતારવા માટે નવા ખંભાતી કૂવા બનાવવા માટે રૂ.50 લાખનો ખર્ચ કરાશે. આમ 8 વોર્ડમાં કૂવા બનાવવા કુલ રૂ.1 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જો કે દર ચોમાસાની ઋતુમાં પૂર્વના વિવિધ વિસ્તારોમાં કે સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.
તેમા પણ નરોડા, સૈજપુર, કુબેરનગર, સરસપુર સહિતના વિસ્તારોમાં તો વરસાદી પાણી ભરાવાની લીધે જનજીવનને માઠી અસર પડે છે. જેના લીધે વરસાદી પાણી વ્યર્થ જાય છે. જો વરસાદના પાણીનું સંગ્રહ કરવામાં આવે તો ઉનાળામાં પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે છે. ખંભાતી કૂવા દ્વારા પાણીને જમીનમાં ઉતારવામાં આવે તો આસપાસના વૃક્ષોને પણ પાણી મળી રહે છે.
સરદારનગર અને સરસપુરમાં ડ્રેનેજ લાઈન નખાશે
સરદારનગર વોર્ડમાં સરદારનગર, નોબલનગર વિસ્તારમાં આવેલા નોબલનગર ત્રણ રસ્તાથી વાલ્મિકી આવસુ સુધી તેમજ સુભાષનગર પે એન્ડ યુઝની ગલીમાં તથા વિવિધ વિસ્તારમાં જરૂરિયા મુજબ ડ્રેનેજ લાઈન નાંખવા માટે રૂ.43.46 લાખ ખર્ચ કરાશે. જ્યારે સરસપુર-રખિયાલ વોર્ડમાં આધુનિક ચોકઠાથી મનસા મસ્જીદ, ઈન્દુલાલ યાશિક હોલથી મનસા મસ્જીદ, તેમજ મનસા મસ્જીદથી એવરેસ્ટ ચોકઠા સુધી 600 એમએમ ડાયા ડ્રેનેજ લાઈન નાંખવા માટે રૂ.3.35 કરોડનો ખર્ચ કરાશે. તો સરદારનગર વોર્ડ તથા અન્ય વોર્ડમાં ડ્રેનેજ લાઈન નેટવર્ક નાંખવાના કામ માટે રૂ.1.50 કરોડનો ખર્ચ કરાશે.