
ઓઢવ, રામોલ, મણિનગર, વટવામાં અડધો ઈંચ વરસાદ
શહેરમાં દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં ગુરૂવારે બપોરના સુમારે પડેલા સામાન્ય વરસાદમાં જ ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. લાંભામાં એક ઈંચ અને ઓઢવમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી.
દર વર્ષે પ્રિ-મોન્સૂન પ્લાન હેઠળ શહેરમાં કેચપીટો સાફ કરવાની, નવી કેચપીટો નાંખવા સહિતની વિવિધ કામગીરીઓ કરાતી હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ દરવર્ષે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળે છે. ત્યારે ગુરુવારે શહેરના પૂર્વના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જેમાં ઓઢવમાં, રામોલ, મણિનગર,વટવા વિસ્તારમાં અડધો-અડધો ઈંચ વરસાદ પડયો હતો.
જ્યારે લાંભા વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ પડતાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ઓઢવમાં ભિક્ષુકગૃહથી અંબિકાનગર જવાના માર્ગ પર પાણી ભરાતા લોકો હેરાન થઈ ગયા હતા. તો વટવાના અલીફનગરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતાં લોકો હેરાન-પરેસાન થઈ ગયા હતા.